એક કલાકમાં કરા સાથે 1.38 ઇંચ કમોસમી વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી, 46 વૃક્ષો ધરાશાયી
માર્કેટ યાર્ડમાં જણસીઓ પલળી ગઇ, મસાલા માર્કેટનો સમિયાણો ઉડી જતા મરચા સહિતના મસાલા પાણી પાણી
અનેક સ્થળે થાંભલા ઢળી પડ્યા, મંડપ સમિયાણા, છાપરા અને સોલાર પેનલો ઉડી
રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે 4 વાગ્યા બાદ અચાનક વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે ત્રાટકેલા 1.38 ઇંચ વરસાદથી ભારે અફરાતરફી મચી ગઇ હતી. લગભગ એક કલાક ચાલેલા આ કુદરતી તાંડવના કારણે શહેરના રસ્તાઓ ઉપર પાણીની નદીઓ વહેવા માંડી હતી. તો કરાનો વરસાદ ત્રાટકતા લોકો કરાના મારથી બચવા ભાગદોડ કરતા નજરે પડયા હતા. આંધી-તૂફાનના કારણે શહેરમાં અનેક સ્થળે છાપરા-પતરા અને નાના-મોટા હોર્ડિંગ ઉડયા હતા તેમજ વૃક્ષો તથા વીજપોલ ધરાશાયી થઇ જતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. અમુક સ્થળે વૃક્ષો નીચે વાહનો પણ દટાઇ ગયા હતા. એક બે સ્થળે સોલારની પ્લેટો ઉડી હતી જયારે કોઠારિયા રોડ ઉપર સોલારની ટાંકી અગાસી ઉપરથી ઉડીને શેરીમાં ખાબકી હતી. મેઘરાજાની આ તોફાની બેટિંગમાં 46 વૃક્ષો ધરાશાયી થઇ ગયાનું તેમજ એક સોલાર પેનલ તૂટી હોવાનું મહાનગરપાલિકાની ફાયર બિગ્ર્રડ શાખા દ્વારા જણાવાયું છે.
ગઇકાલે બપોરે 4 વાગ્યે શહેરનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોળા દિવસે મોડી સાંજ જેવું બિહામણું અંધારું છવાઇ ગયું હતું. તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ પછી અચાનક વરસાદ સાથે નાની સોપારી જેવા કરા ત્રાટકતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લગભગ એકાદ કલાકમાં માવઠાએ જાણે શહેરની શિકલ બદલી નાખી હતી. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મગફળી, ઘઉં સહિતની જણસીઓ પલળી ગઇ હતી અને ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં 150 મણ જેટલી મગફળી વહી જતા ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડયું હતું. તોફાની પવનના કારણે શેડમા પડેલી જણસો પણ પલળી ગઇ હતી જયારે નાનામવા ચોકડી પાસે ભરાતી મસાલા માર્કેટનો સમિયાણો ઉડી જતા લાલ મરચા, ધાણા, જીરૂનો જથ્થો પલળી ગયો હતો.

