ગુજરાતમાં જાણે પ્રેમલગ્ન કરીને ગયેલી દીકરીઓને પરત લાવવા અભિયાન શરૂૂ કરાયું હોય, તેમ રબારી સમાજ, ચૌધરી સમાજ બાદ વધુ એક પિતાએ પોતાની દીકરીને પરત લાવવા વિનંતી કરી છે. વાવ થરાદ જિલ્લાથી એક પિતાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોતાની દીકરી કમળાને પરત આપવા પિતાએ ગામના આગેવાનોને વિનંતી કરી છે.
થરાદના ચોગડા ગામના ગોવિંદ પ્રજાપતિનો ભાવુક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ પોતાની દીકરી કમળાને પરત આપવા ગામના આગેવાનોને વિનંતી કરી છે. ગામનો જ એક યુવાન દીકરીને લઈ ગયો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. દીકરી પરત માંગવા જતાં ધમકીઓ મળતી હોવાનો પણ આક્ષેપ એક પિતાએ કર્યો.
વીડિયોમાં કહેવાયું છે કે, વગ્દાજી વાધાજી બોકા મારી દીકરીને ભગાડી ગયો છે. મારી દીકરી અમદાવાદ ગઈ હતી, તેને અમદાવાદથી લઈને ભાગી ગયો. મને કોઈ ખબર ન હતી. મેં ચાર વખત ગામ ભેગું કર્યું, અને કહ્યું કે મારી દીકરી પાછી આપશે. પરંતું દીકરીને પરત આપતા નથી. મને કોઈ નિર્ણય કર્યો નથી. પટેલ સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે, મારી દીકરી મને પરત અપાવો. મારે સમાજ ભેગો કરવાનો હતો, તો પણ મને ન કરવા દીધો. તેઓએ મને કહ્યું કે, અમે તમારી દીકરી પાછી આપી દઈશું. અમારે નથી જોઈતી. પરંતું એમ કહેતા કહેતા આઠ-નવ મહિના થઈ ગયા છે.
હવે મારવાની ધમકી આપે છે. હજી સુધી કોઈ નિવેડો નથી આવ્યો. મારી દીકરી મને પરત અપાવો. ગામને કહેવું છે કે, આ ગામની દીકરી છે. તમારા સમાજની દીકરી છે. મારી સામે ફરિયાદ પણ કરાવી છે. એક વર્ષથી આજ લાવી આપીએ, કાલે આપી દઈએ એવી વાતો થઈ છતાં આજ સુધી દીકરી પરત નથી મળી. તમે શુ કરી લેશો તેવી ધમકી આપે છે. અમે ગરીબ માણસ છીએ. મારી દીકરી મને પરત અપાવો તેવી વિનંતી છે.

