કચેરીઓમાં અધિકારીઓની જગ્યા ખાલી હોવા છતાં તંત્રની ઢીલી નીતિથી વહીવટી કામગીરી ખોરંભે ચડી
રાજકોટ શહેરમાં વહીવટી તંત્રની મોટી લાપરવાહી અને ધીમી કાર્યપ્રણાલી સામે આવી છે. ગત પાંચમા મહિનામાં જિલ્લા ફેરબદલી પામીને રાજકોટ ખાતે મૂકવામાં આવેલા 6 જેટલા નાયબ મામલતદારોને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ જ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજ્યમાં પાંચમા મહિનામાં નાયબ મામલતદારોની મોટા પાયે જિલ્લા ફેરબદલી કરવામાં આવી હતી. આ બદલી પ્રક્રિયા અંતર્ગત 6 જેટલા નાયબ મામલતદારોને રાજકોટ જિલ્લો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ, વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે આમાંના એકપણ અધિકારીને હજુ સુધી કચેરીમાં ચાર્જ સોંપવામાં આવ્યો નથી.
માત્ર મામલતદારો જ નહીં, પરંતુ 15 દિવસ પહેલાં રાજકોટ જિલ્લામાં 70 જેટલા નવા મહેસૂલ તલાટીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. આ નવા તલાટીઓને પણ હજુ સુધી કોઈ જ કચેરી કે ગામનું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી, જેના કારણે તેઓ પણ કામગીરી શરૂૂ કરી શક્યા નથી.
હાલમાં જિલ્લાની સ્થિતિ એવી છે કે: મોટાભાગની સરકારી કચેરીઓમાં સ્ટાફ અને અધિકારીઓની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. પ્રાંત અધિકારી હોય કે નાયબ મામલતદાર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર પૂરતો સ્ટાફ નથી.એક બાજુ કચેરીઓમાં અધિકારીઓ નથી, અને બીજી બાજુ જેમને રાજકોટ ફાળવાયા છે તેમને પોસ્ટિંગ અપાતું નથી.
તંત્રની આ ઢીલી નીતિ અને લાલિયાવાડીના કારણે અનેક વહીવટી કામગીરીઓ ખોરંભે ચડી રહી છે અને સામાન્ય અરજદારોના કામો અટકી રહ્યા છે.ત્રણ-ત્રણ મહિનાથી બદલી થઈને આવ્યા હોવા છતાં હજુ સુધી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા આ 6 જેટલા મામલતદારો અને નવા 70 તલાટીઓને આખરે ક્યારે પોસ્ટિંગ અપાશે? તે હાલ વહીવટી વર્ગમાં અને પ્રજામાં એક સૌથી મોટો સવાલ બની ગયો છે.
