મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના લગભગ પાંચમા ભાગનું ક્રૂડ ઓઇલ જે હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે, તે વિસ્તાર ફરી એકવાર સંઘર્ષનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં ઈરાને સંયુક્ત અરબ અમીરાતના બે તેલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલો કર્યો હતો. મિસાઈલ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે.
UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, હોર્મુઝમાં ઓમાનના દરિયાઈ ક્ષેત્ર નજીક તેના બે તેલ ટેન્કરો પર ઈરાનની બે ક્રુઝ મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મોમ્બાસા અને અલ બહિયા નામના ટેન્કરો પર થયેલા આ હુમલામાં 6 ભારતીયો સહિત 8 લોકો પણ ઘાયલ થયા છે. અને એક ભારતીય નાવિકનું મોત થયું.
મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ‘મોમ્બાસા’ ટેન્કરમાં સવાર એક ભારતીય ક્રૂ સભ્યનું હુમલામાં મૃત્યુ થયું હતું, અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો સહિત આઠ અન્ય ઘાયલ થયા હતા. આગને કારણે બંને જહાજોને નુકસાન થયું હતું, પરંતુ ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવીને, UAEએ બદલો લેવાનું જણાવ્યું છે.
બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે ઈરાન પર લગભગ 5 કલાક સુધી ચાલેલા તાજેતરના હુમલાઓમાં બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
હોર્મુઝથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ:
અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરશે. તેના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20% સુરક્ષા ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે જ ઈરાની જહાજો અને તેના ગ્રાહકો પર નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
