રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. જોકે, સેટેલાઇટ ચિત્રોમાં ગુજરાત પરથી ઘન વાદળો હટી જતાં હાલ ભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી હોવાનું માનવામાં આવે છે.
રાજ્યમાં આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 68.58 ટકા એટલે કે 23.50 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં અંદાજે 21 ટકા વધુ છે. રાજ્યના 38 તાલુકાઓમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે 84 તાલુકાઓમાં હજુ 50 ટકા વરસાદ પણ નોંધાયો નથી.
