કૈલાશ પાર્કમાં જુગારધામ પર દરોડો, 5 મહિલા સહિત 10 શખ્સો ઝડપાયા

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 મહિલા અને 5 પુરુષ સહિત…

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 મહિલા અને 5 પુરુષ સહિત કુલ 10 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂૂ. 71,500ની રોકડ જપ્ત કરી હતી.

ઘટનાની વિગતો મુજબ, તા. 12/11/2026ના રોજ બપોરે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એન. પરમાર અને સ્ટાફ નાણાવટી ચોક પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડા અને રાજેશભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા મેઇન રોડ પર બાપા સીતારામ જનરલ સ્ટોર સામેની શેરીમાં આવેલી કૈલાશપાર્ક સોસાયટી શેરી નં. 4માં ભાડાના મકાનમાં રહેતા નીલમબેન નીતીનભાઈ રાઠોડ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે સાંજે 4:10 વાગ્યે બે પંચોને સાથે રાખી દરોડો પાડતા મકાનના હોલમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ દરોડામાં પોલીસે અખાડાની સંચાલક નીલમબેન નીતીનભાઈ રાઠોડ (ઉં.વ. 32, રહે. કૈલાશપાર્ક સોસાયટી, રાજકોટ) ઉપરાંત રાજકોટ શહેરના એકતાબેન જીગ્નેશકુમાર મણવર (ઉં.વ. 39, રહે. સાધુવાસવાણી રોડ), નિકીતાબેન અલ્પેશભાઈ સાવલીયા (ઉં.વ. 42, રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ) અને વર્ષાબા પુષ્પરાજસિંહ ચુડાસમા (ઉં.વ. 37, રહે. રેલનગર) ને ઝડપી લીધા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના મનીષાબેન સંજયભાઈ સોંદરવા (ઉં.વ. 33, રહે. કાલાવડ), ગોવિંદભાઈ અરજણભાઈ આંબલીયા (ઉં.વ. 45, રહે. જોગવડ, તા. લાલપુર), પ્રધ્યુમનસિંહ ભીખુભા જાડેજા (ઉં.વ. 50, રહે. પડાણા, તા. લાલપુર) અને યોગરાજસિંહ કુવરસિંહ જાડેજા (ઉં.વ. 37, રહે. ટોડા, તા. કાલાવડ) તેમજ રાજકોટ ગ્રામ્યના હસમુખભાઈ જમનાદાસ ટીલાવત (ઉં.વ. 31, રહે. ઉમરાળી, તા. જેતપુર) અને વિનોદભાઈ લાખાભાઈ ભોસીયા (ઉં.વ. 32, રહે. ઉપલેટા) પણ પોલીસ સકંજામાં આવી ગયા હતા.પોલીસે સંચાલક નીલમબેન પાસેથી નાલના રૂૂ. 4,000 સહિત કુલ રૂૂ. 11,000 તથા અન્ય આરોપીઓ અને પટમાંથી મળી કુલ રૂૂ. 71,500ની રોકડ કબજે કરી છે.