TAT-HSમાં 47 હજારમાંથી માત્ર 16 હજાર ઉમેદવારો જ પાસ થતા ગાંધીનગરમાં મોરચો

ગુજરાતમાં TAT હાયર સેક્ધડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યભરમાંથી પરીક્ષા આપનારા હજારો ઉમેદવારો પરિણામથી અસંતુષ્ટ છે. આશરે 47 હજાર…

ગુજરાતમાં TAT હાયર સેક્ધડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યભરમાંથી પરીક્ષા આપનારા હજારો ઉમેદવારો પરિણામથી અસંતુષ્ટ છે. આશરે 47 હજાર ઉમેદવારોમાંથી માત્ર 16 હજાર જેટલા જ પાસ થતાં અને 30 હજારથી વધુ ઉમેદવારો નાપાસ જાહેર થતાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામ સામે વિરોધ નોંધાવવા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા.

ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોએ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી હતી. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે ખૂબ મહેનતથી પરીક્ષા આપી હોવા છતાં પરિણામ અપેક્ષા કરતાં ઘણું ઓછું આવ્યું છે. ખાસ કરીને ગુણવત્તાસભર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો, ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ના ઉમેદવારોનાં પરિણામો પણ અપેક્ષા મુજબ ન આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

TAT-HS મુખ્ય પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરિણામ જાહેર થયા બાદ આશરે 16 હજાર ઉમેદવારો જ સફળ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 30 હજારથી વધુ ઉમેદવારો નાપાસ થયા છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો નાપાસ થતાં પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. ઉમેદવારોનું માનવું છે કે પરિણામમાં જોવા મળેલી સ્થિતિની યોગ્ય તપાસ થવી જોઈએ, જેથી કોઈ પણ પરીક્ષાર્થી સાથે અન્યાય ન થાય.

વિરોધ કરી રહેલા ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ કેટલીક મુખ્ય માગણીઓ રજૂ કરી છે. તેમાં બંને પેપરના માર્ક અલગ-અલગ જાહેર કરવાની માગ સૌથી મહત્ત્વની છે. ઉમેદવારોની અન્ય માગણીઓમાં દરેક પરીક્ષાર્થીની ઉત્તરવહી અને આન્સર કી જાહેર કરવી, મૂલ્યાંકન પદ્ધતિના નિયમો સ્પષ્ટ કરવા અને પેપર-1 આપનારા નાપાસ ઉમેદવારોને તેમના પરિણામ અંગે વિગતવાર માહિતી આપવાનો સમાવેશ થાય છે. ઉમેદવારોના વિરોધ અને આવેદનપત્ર બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે બોર્ડ દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે અને ઉમેદવારોની માગણીઓ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.