મારૂતિ જવેલર્સ પેઢીનો સંચાલક રૂા.7.77 કરોડનું સોનું લઈ ફરાર

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જાણીતા બુલિયન વેપારીએ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂૂપિયાનું સોનું…

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જાણીતા બુલિયન વેપારીએ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂૂપિયાનું સોનું અને રોકડ રકમ ઓળવી લીધી છે. ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, સોની બજારની જુની ગધીવાડ શેરીમાં આવેલ ક્રિષ્ના ચેમ્બર્સમાં ’રમેશચંદ્ર એન્ડ સન્સ’ નામની પેઢી ધરાવતા અને છેલ્લા 15 વર્ષથી સોનીકામ કરતા જતીનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે સોની બજાર ગઢની રાંગની શેરીમાં ’મારૂૂતી જવેલર્સ’ નામની પેઢી ચલાવતા બુલિયન વેપારી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતીલાલ લોઢિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે.

ફરિયાદી જતીનભાઈના જણાવ્યા અનુસાર, તેઓ આરોપી હસમુખભાઈ લોઢિયાને છેલ્લા દોઢ-બે વર્ષથી ઓળખતા હતા અને તેમની સાથે કમીશનથી સોનાનો નિયમિત વેપાર કરતા હતા. આ લાંબા સમયગાળા દરમિયાન આરોપીએ ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ કેળવી લીધો હતો. ગત તારીખ 26 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે 12:00 વાગ્યે આરોપી હસમુખભાઈએ ફરિયાદીને ફોન કરીને સોનાની માંગણી કરી હતી અને પોતે મોકલેલા માણસને સોનું સોંપવા જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સવા બારથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં આરોપીના કહેવાથી તેના માણસ વિજયભાઈ મેણંદભાઈ કુગસીયાએ ફરિયાદીની ઓફિસે આવીને કટકે-કટકે કુલ 4 કિલો ફાઇન સોનું મેળવ્યું હતું. આ ઉપરાંત, આરોપીના જણાવ્યા મુજબ બાકીનું 1 કિલો સોનું ફરિયાદીએ ’પાર્થ ગોલ્ડ’ પેઢીના માલિક હિરેનભાઈ પાટડીયાને સુપ્રત કર્યું હતું. આમ, આરોપીએ એક જ દિવસમાં ફરિયાદી પાસેથી કુલ 5 કિલો ફાઇન સોનું મેળવી લીધું હતું, જેની હાલની બજાર કિંમત આશરે રૂૂ. 7,25,00,000/-થાય છે. બજારના નિયમ મુજબ આ સોનું 24 કલાકમાં પરત કરવાનું હતું.

આરોપીની છેતરપિંડી માત્ર મુખ્ય ફરિયાદી પૂરતી મર્યાદિત નહોતી. સોની બજારના અન્ય ત્રણ વેપારીઓ પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે, જેમણે સોનું ખરીદવા માટે આરોપીની પેઢી ’મારૂૂતી જવેલર્સ’ ના બેંક ખાતામાં RTGS અને NEFT મારફતે લાખો રૂૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ભુપેન્દ્ર રોડ પર ’ઓમ ગોલ્ડ’ નામની દુકાન ધરાવતા નિલેશભાઈ બાલક્રુષ્ણભાઈ માંડલીયાએ 200 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનું લેવા માટે રૂૂ. 29,05,177/- ચૂકવ્યા હતા. પેલેસ રોડ પર ’મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ’ પેઢીના માલિક મનોજકુમાર મથુરાદાસ ધોળકીયાએ 100 ગ્રામ સોનાનું બિસ્કીટ લેવા માટે રૂૂ. 14,55,500/- ચૂકવ્યા હતા. જ્યારે સોની બજારમાં ’માધવ ઓર્નામેન્ટ્સ’ ધરાવતા હિતેશભાઈ ત્રીકમભાઈ માંડલીયાએ 60 ગ્રામ ફાઇન સોનું લેવા માટે રૂૂ. 8,73,000/- ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ આ ત્રણેય સાહેદ વેપારીઓ પાસેથી પૈસા પડાવી લીધા બાદ તેમને સોનું આપ્યું નહોતું અને વિશ્વાસઘાત કર્યો હતો.

તારીખ 27 ઓક્ટોબર 2026ના રોજ બપોરે ફરિયાદીએ સોનું પરત મેળવવા માટે આરોપી હસમુખભાઈનો સંપર્ક સાધ્યો ત્યારે આરોપીએ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સોનું પહોંચાડી દેવાની ખોટી ખાતરી આપી હતી. જોકે, સાડા છ વાગ્યા પછી આરોપીએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ફરિયાદીએ આરોપીના રેસકોર્સ રીંગ રોડ પાછળ આવેલા કલ્યાણ પાર્ક સ્થિત નિવાસ્થાને જઈ તપાસ કરતા તેના પિતા શાંતીલાલ હાજર મળ્યા હતા, પરંતુ તેમને આ અંગે કોઈ જ માહિતી નહોતી. સોની બજારમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી અન્ય વેપારીઓના પૈસા અને સોનું લઈને નાસી છૂટ્યો છે. આ સમગ્ર કૌભાંડની કુલ રકમ રૂૂ. 7,77,33,677/- થવા જાય છે.