મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તારીખ 11-04-2026 ના રોજ શનિવારે પૂર્ણ થઈ છે. શરૂૂઆતના દિવસોમાં ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયામાં છેલ્લા બે દિવસમાં, ખાસ કરીને શનિવારે, ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસની થનારણ છે અને ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ 15 એપ્રિલ છે.
મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છ દિવસ દરમિયાન કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં અંતિમ દિવસે શનિવારે સૌથી વધુ 69 ફોર્મ રજૂ થયા હતા. મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો (મોરબી, માળીયા-મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ) ની કુલ 98 બેઠકો માટે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા હતા. 5 તાલુકા પંચાયતો માટે કુલ 415 ફોર્મ ભરાયા છે.
મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 83 ફોર્મ, માળીયા-મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 76, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 103 ફોર્મ, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 65 ફોર્મ, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 88 ફોર્મ ભરાયા છે.
મોરબી જિલ્લાની 3 નગરપાલિકાઓ (વાંકાનેર, ટંકારા અને માળીયા-મિયાણા) ની કુલ 76 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ 3 નગરપાલિકાઓ માટે કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 63 ફોર્મ, ટંકારા નગર પાલિકાની 24 બેઠકો માટે 63 ફોર્મ, માળીયા-મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે 77 ફોર્મ ભરાયા છે.
આમ, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અને ત્યારબાદ ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદ જ ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો અંતિમ જંગમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
