માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મકતા માટે પોલીસની અનોખી પહેલ ‘પ્રેરણા’

આપઘાતના અને ઘરેલું હિંસાના બનાવો અટકાવવા ખાસ હેલ્પ લાઇન શરૂ કરાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયો ‘પ્રેરણા-નવા જીવનની’ પ્રકલ્પ પ્રોજેકટ આજના અત્યંત…

આપઘાતના અને ઘરેલું હિંસાના બનાવો અટકાવવા ખાસ હેલ્પ લાઇન શરૂ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયો ‘પ્રેરણા-નવા જીવનની’ પ્રકલ્પ પ્રોજેકટ

આજના અત્યંત ઝડપી, સ્પર્ધાત્મક અને તણાવપૂર્ણ યુગમાં માનવી અનેક પ્રકારના માનસિક, સામાજિક તેમજ પારિવારિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાની ગુરુત્તર સત્તા ધરાવતા પોલીસ કર્મચારીઓ સતત માનસિક દબાણ, વ્યાવસાયિક જવાબદારીઓ અને સંવેદનશીલ પરિસ્થિતિઓ વચ્ચે પોતાની ફરજ બજાવતા હોય છે. આવા સંજોગોમાં તેમના તેમજ સામાન્ય જનમાનસના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી એ સમયની અનિવાર્ય માંગ બની ગઈ છે.

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય સામાજિક-મનોવૈજ્ઞાનિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વધતા જતા આપઘાતના અને ઘરેલું હિંસાના બનાવો રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્થિરતા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાના ઉમદા આશય સાથે ‘PRERNA‘ નવા જીવનની નામની સામાજિક-મનોવૈજ્ઞાનિક પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજ રોજ આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના વરદ હસ્તે આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મનોવિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞો તેમજ ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં અને પોલીસ બેડામાં તણાવ, ચિંતા, ડિપ્રેશન , ભાવનાત્મક અસંતુલન કે જીવન પ્રત્યે નિરાશા અનુભવી રહેલી વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે.

આ અનોખી પહેલ અંતર્ગત જનસાધારણમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવામાં આવશે, લોકોને મુશ્કેલ સમયમાં નિ:સંકોચ મદદ મેળવવા પ્રોત્સાહિત કરાશે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમનામાં પુન: આત્મવિશ્વાસનો સંચાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જીવન અત્યંત અમૂલ્ય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યક્તિએ ક્યારેય એકલતા કે નિરાશા અનુભવવાને બદલે યોગ્ય સંવાદ સાધીને વ્યાવસાયિક માર્ગદર્શન મેળવવું જોઈએ. આશા, સહકાર અને રચનાત્મક સંવાદ જ વ્યક્તિને નવું જીવન બક્ષી શકે છે.

’જીવન આસ્થા હેલ્પલાઇન’ એક અદ્રશ્ય મિત્ર તરીકે સાબિત થયું છે. આ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 300 વિશે પણ સવિસ્તર માહિતી અને માર્ગદર્શન પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ હેલ્પલાઇન માધ્યમથી કોઈપણ પીડિત કે માનસિક તણાવ અનુભવતી વ્યક્તિને સંપૂર્ણપણે ’નિ:શુલ્ક’ અને ’ગોપનીય’ કાઉન્સેલિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર અને સમગ્ર ટીમ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના પરિવાર કે પરિચિતોમાં માનસિક તણાવ કે આત્મઘાતી વિચારોથી ઝઝૂમી રહી હોય, તો કોઈપણ સંકોચ રાખ્યા વિના તુરંત જ આ હેલ્પલાઇનનો સંપર્ક કરે.

જીલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી: ત્રણ માસમાં 270 લોકોને નવજીવન
રાજકોટ જીલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ સંયુક્ત સામાજિક કટિબદ્ધતા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવામાં માઇલસ્ટોન સાબિત થશે. આત્મહત્યા જેવા ગંભીર બનાવોને અટકાવવા, સમાજમાં જાગૃતિ લાવવા અને ભટકતા મનને સ્થિરતા આપવા માટે આ “પ્રેરણા – નવા જીવનની” અભિયાન ખરા અર્થમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એક નવી આશા, હિંમત અને નવજીવનની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રકલ્પ માત્ર કાગળ પરની યોજના નથી, પરંતુ તેની સકારાત્મક અસરો ધરાતલ પર દેખાવા લાગી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ તણાવ, ચિંતા અને માનસિક હતાશાથી ઘેરાયેલા અંદાજે 270 જેટલા જરૂૂરિયાતમંદ લોકોને પોલીસ તંત્ર અને મનોવિજ્ઞાન ભવન દ્વારા સચોટ માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને આવશ્યક માનસિક સહાય પૂરી પાડીને બેઠા કરવામાં આવ્યા છે.