Site icon Gujarat Mirror

પત્નીને માર મારતા પિયરીયા-સાસરીયા વચ્ચે બઘડાટી

રૈયા રોડ પર શિવપરાનો બનાવ: ધોકા વડે સામ-સામે તૂટી પડતા પતિ-પત્ની અને બે સાળાને ઇજા, કારનો કાચ અને મોબાઇલ તોડી નાંખ્યો

શહેરના રૈયા રોડ પર શિવપરામાં રહેતા દંપતિ વચ્ચે પુત્રીની ફી ભરવાના પૈસા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીને મારમાર્યો હતો. જેથી પત્નીએ તેના માવતરને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને બાદમાં પીયરીયા અને સાસરીયા સામ સામે ધોકા વડે હુમલો થયો હતો. જેમાં દંપતિ અને બે સાળાને ઇજા થતા ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે મારામારીમાં એક કારનો કાચ અને મોબાઇલ પણ તોડી નાખ્યાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે શિવપરા શેરી નં.1માં રહેતો સાહિલ ફીરોજભાઇ કોચલીયા (ઉ.વ.26)નામનો યુવાન સવારે પોતાના ઘરે હતો ત્યારે તેના સાળા આસીફ, શાહરૂખ, અને સાસુ નસીમબેને ધોકા અને બેટ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સામાપક્ષે યાસમીન સાહીલભાઇ કોચલીયા (ઉ.વ.23),વાવડી ગામે રહેતા યાસ્મીનનાભાઇ આસીફ હનીફભાઇ કુરેશી (ઉ.વ.23) અને શાહરૂખ હનીફભાઇ કુરેશી (ઉ.વ.36)આજે સવારે શિવપરામાં હતા ત્યારે યાસ્મીનના પતિ સાહીલ, એનો ભાઇ નદીમ અને સાસુ જોરાબેને ધોકા વડે હુમલો કરી મારમારતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં યાસ્મીનબેન ઘરકામ કરવા જાય છે. ત્યાથી પુત્રીની ફી ભરવા માટે રૂા.2000 લઇ આવ્યા હતા અને રૂા.2200 ભરવાના હોય જેથી રૂા.200 ઘટતા હતા જે પતિ પાસે માંગતા તેણે ઝઘડો કરી મારમાર્યો હતો. જેથી યાસ્મીને તેના ભાઇને જાણ કરતા તેઓ ઘરે આવતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. આ બનાવમાં કારનો આગળ કાચ તૂટી ગયો હતો. જયારે યાસ્મીને 181માં જાણ કરવા માટે ફોન લેતા પતિએ મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.

Exit mobile version