વિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમ

રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં વિદેશી ચલણની રોકડ ખરીદીમાં હાલ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોમાં ડોલર અને પાઉન્ડની ખરીદી સામાન્ય રીતે ઉપલબ્ધ છે,…

રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં વિદેશી ચલણની રોકડ ખરીદીમાં હાલ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોમાં ડોલર અને પાઉન્ડની ખરીદી સામાન્ય રીતે ઉપલબ્ધ છે, પરંતુ રોકડમાં આ ચલણ મેળવવા માટે ગ્રાહકોને 2થી 5 રૂૂપિયા પ્રતિ યુનિટ સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. બજારમાં કેશ ડોલર અને પાઉન્ડની માંગ વધી છે, જ્યારે પુરવઠો મર્યાદિત રહેતાં વેપારીઓ વધારાનો ચાર્જ વસૂલી રહ્યા છે.
વિદેશ જતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને રોકડ ચલણની જરૂૂરિયાત વધુ હોય છે. બેંકોમાં ખાતા મારફતે કે કાર્ડ પર ચલણ મળી રહ્યું છે, પરંતુ તાત્કાલિક કેશની જરૂૂરિયાત ધરાવતા લોકોને માર્કેટમાંથી ઊંચા ભાવે ખરીદી કરવી પડી રહી છે.

સ્થાનિક ફોરેક્સ વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કેશ ડોલર અને પાઉન્ડની આવક ઘટી છે, જેના કારણે પ્રીમિયમનો દર વધ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ હાલમાં એનઆરઆઈ સિઝન ન હોવાથી વિદેશથી ભારતમાં આવતી ફોરેન કરન્સીની આવકમાં ઘટાડો થયો છે. વિદેશથી આવતી કેટલીક કરન્સી સીધી જ શેરબજાર, જમીન-મકાન, અન્ય રોકાણો અથવા ડિજિટલ એસેટ્સમાં વપરાઈ જતી હોવાથી મની એક્સચેન્જ માર્કેટમાં વિદેશી ચણલની તરલતા ઓછી રહે છે.

કાયદેસર રીતે કરન્સી ખરીદવા માટે પાસપોર્ટ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને અન્ય જરૂૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. ચોક્કસ રકમ કરતાં વધુ રકમ માટે નિયમ મુજબ બેન્કિંગ ચેનલ અને ચેક મારફતે પેમેન્ટ સહિતની પ્રક્રિયા લાગુ પડે છે. તેના કારણે મોટી રકમના વ્યવહારમાં કેટલાક લોકો બ્લેક માર્કેટ તરફ વળતા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ, વિદેશમાં વસતા ભારતીયો પરિવારના સભ્યો સાથે સ્વદેશ પરત આવે ત્યારે નિયમો હેઠળ નિર્ધારિત મર્યાદામાં ફોરેન કરન્સી લાવી શકે છે. ત્યારબાદ આ રકમ અન્ય રોકાણોમાં વપરાઈ જાય તો તેના મૂળસ્ત્રેત અને અંતિમ ઉપયોગ સુધી પહોંચવું તપાસ એજન્સીઓ માટે પડકારરૂૂપ બની શકે છે.