ઇરાન-અમેરિકા યુધ્ધના કારણે માર્ચથી જૂનમાં આઇપીઓ માર્કેટ ઠંડી રહ્યા બાદ જુલાઇ-ઓગસ્ટમાં રોકાણકારોને લિસ્ટિંગ સમયે મળ્યા 20 થી 100 ટકા રીટર્ન
ચાલુ સપ્તાહમાં બહાર પડેલા ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટસના આઇપીઓમાં રૂા.300ના શેર સામે રૂા.300નું ઉંચુ પ્રિમીયમ બોલાયું
માર્ચથી જુન દરમિયાન ઇરાન- અમેરિકા યુધ્ધને કારણે મોટા ભાગની કંપનીઓ દ્વારા પોતાના આઇપીઓ લોંચ કરવાનું ટાળ્યું હતું. માર્કેટની અનિશ્ચિતતા તેમજ ભરણું ઓછું ભરાશે તેવી ભીતી વચ્ચે બહુ જુજ આઇપીઓ માર્ચથી જુનમાં માર્કેટમાં લોંચ થયા હતા. પરંતુ હવે યુધ્ધમાં માત્ર છમકલા રહ્યા છે અને આઇપીઓ બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક મહીનામાં માર્કેટમાં લીસ્ટેડ થયેલા આઇપીઓમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે ને આ ઓગસ્ટમાં પણ અનેક આઇપીઓ છેલ્લા સપ્તાહમાં આવી રહ્યા છે. જેમાં આઇપીઓ લાગનારને સારા વળતર મળવાના સંકેતો બજાર આપી રહ્યા છે. ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં રૂા.300 ના શેર સામે રૂા.300નું પ્રિમીયમ પણ બોલાઇ રહ્યું છે.
જુલાઇ અને ઓગસ્ટમાં લીસ્ટેડ થયેલા મોટા ભાગના આઇપીઓમાં રોકાણકારોને બહુ સારૂ વળતર મળતા રોકાણકારો ફરી આઇપીઓ ભરવા લાગ્યા છે. મોટા ભાગના રોકણકારો આઇપીઓના છેલ્લા દિવસે ભરતા હોવાથી આઇપીઓ ન લાગે તો પણ માત્ર ત્રણથી ચાર દિવસમાં નાણા પરત આવી જતા હોવાને કારણે આઇપીઓ ભરનારની સંખ્યા પણ ઘણી વધી છે. જુલાઇની વાત કરીએ તો મેઇન બોર્ડના આઇપીઓમાં અભીક જવેલર્સ, કુસુમગર, નેક, લોહીયા કોર્પ જેવી કંપનીએ રોકાણકારોને એવરેજ 40 થી 45 ટકા વળતર આપ્યું છે. જયારે કેલીબર માઇનીંગે 25 ટકા કોરડેલિયા કંપનીએ 23 ટકા રીટર્ન આપ્યું છે. આ મહીનામાં 4 લીસ્ટ થયેલા લેસરપાવર કંપનીએ 57 ટકા એકસ્ટ્રાનેટ 31 ટકા જયારે ઇન્ડોમીમ કંપનીએ તો 82 ટકા જેટલું મોટુ વળતર આપ્યું છે.
જુલાઇમાં લીસ્ટેડ થયેલા આઇપીઓમાં માત્ર આલ્વી નેટેક્ષ, એસબીઆઇ ફંડ, આરથા અને સીએસએમ ટેકનોલોજીના શેર લીસ્ટ થયા બાદ માઇનસમાં જોવા મળ્યા છે. બીજી બાજુ ઓગસ્ટમાં પણ મોટા ભાગના પબ્લીક ભરણામાં રોકાણકારોને સારા નાણા મળી રહ્યા છે. ઓગસ્ટમાં લીસ્ટેડ થયેલા શેરમાં એમવી ઇલેકટ્રોસિસ્ટમ, મોલબિયો ડાયગ્નોસ્ટીકસ લીમીટેડ, મીલ્કી મીસ્ટ તેમજ શીપ રોકેટ કંપનીના શેરમાં રોકાણકારોને 35 થી 40 ટકા વળતર મળ્યું છે.
જયારે ટેકનોક્રાફટ વેન્ચર્સે 60 ટકા, જુનીયર ગ્રીન એનર્જીએ 40 ટકા અને ધુત ટ્રાન્સમીશન લીમીટેડે તો 70 ટકાનું વળતર રોકાણકારોને આપ્યું છે. જો કે ઓગસ્ટમાં સૌથી વધુ વળતર બેહારી લાલ એન્જીનીયરીંગ લીમીટેડે આપ્યું છે. આ કંપનીએ રોણકારોને લીસ્ટ થયા પછી 78 ટકાનું વળતર આપી દીધું છે. હજુ આવનારા દિવસોમાં દિવાળી સુધી હજુ પણ 30 હજાર કરોડના નવા આઇપીઓ આવી રહ્યા છે. જેમાં રોકાણકારોને સારા વળતરની આશા છે.
બે મહિનામાં SME IPOમાં પણ મળ્યુ મોટું વળતર
માત્ર મેઇન બોર્ડના આઇપીઓ જ નહીં પરંતુ એસએમઇ આઇપીઓમાં રોકાણકારોને મોટુ વળતર મળ્યું છે. જુલાઇમાં લીસ્ટ થયેલા શ્રીધર સ્પીનર્સ લીમીટેડે 114 ટકા વળતર આપ્યું છે. જુલાઇમાં જ લીસ્ટેડ કંપની દેવસન કેટલીસ્ટ લીમીટેડે તો 135 ટકા રીટર્ન આપ્યું છે. મીલવર્કસ ટેકનોલોજીસ લીમીટેડે 150 ટકા વળતર આપ્યું છે. જયારે ઓગસ્ટમાં પુજા પ્રીસીસન એન્જીનીયરીંગ લીમીટેડે 115 ટકા, કેડેન્ટ કનેકટમાં 96 ટકા, ટેકનોકેટ પ્લાસ્મા સિસ્ટમ લીમીટેડમાં 83 ટકા રીટર્ન મળ્યુ છે. આ ઉપરાંત અન્ય 10 કંપનીઓએ પણ 20થી 50 ટકા વળતર આપ્યું છે. તો કેટલીક કંપનીના લીસ્ટીંગ માઇનસમાં પણ થયા હતા.
આ સપ્તાહના IPOનું પણ થશે ધમાકેદાર લીસ્ટિંગ
20 થી 30 ઓગસ્ટ સુધીમાં પણ અનેક કંપનીઓ મુડી બજારમાં પ્રવેશી રહી છે. આ કંપનીઓના પણ ધમાકેદાર લીસ્ટીંગ થવાની આશા છે. જેમાં સૌથી વધુ ચર્ચા ગઇકાલથી ખુલેલા ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટસ કંપનીના આઇપીઓની છે. આ કંપનીના શેરમાં 300 રૂપીયાના શેરમાં 290 રૂપીયાનું તો ગ્રે માર્કેટમાં પ્રિમીયમ બોલી રહ્યું છે. એટલે કે કોઇને પણ લાગશે તો માત્ર પાંચ દિવસમાં નાણા બમલા થઇ જશે. આ ઉપરાંત લલીથા જવેલરી માર્ટમાં 33 ટકા, સનસાઇન પીકચર્સમાં 20 ટકા, ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝમાં 40 ટકા, સ્કાયવેઇઝ એર સર્વિસમાં 40 ટકા, હાઇટેક એન્જીનીયરીંગમાં 42 ટકા, સીમબાયોટેક ફાર્મા લેબમાં 35 ટકા, લુમીનો ઇન્ડસ્ટ્રીઝમાં 56 ટકા ઉંચુ પ્રિમીયમ જોવા મળી રહ્યું છે.

