ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન

બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે…

બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ

ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ગોંડલ શહેર અને પંથકમાં ગઇકાલે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો અને અસહ્ય ઉકળાટ અને બફારા બાદ, બપોર પછી અચાનક જ પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. પરંતુ, આ તોફાની એન્ટ્રીની સાથે જ ગોંડલ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. માત્ર બે કલાકમાં પડેલા અઢી ઇંચ વરસાદે આખા શહેરને પાણી-પાણી કરી દીધું છે. સૌથી ગંભીર સ્થિતિ ઉમવાળા અંડરબ્રિજ પાસે સર્જાઈ, જ્યાં મુસાફરોથી ભરેલી આખી એસ.ટી. બસ પાણીમાં ડૂબી ગઈ હતી.

ગોંડલના ઉમવાળા અંડરબ્રિજ નીચે ગોઝારા દ્રશ્યો સર્જાયા હતા. અહીં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ-દાહોદ રૂૂટની એસ.ટી. બસ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આશરે 30 થી 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ અને જે.સી.બી મશીનની મદદથી ભારે જહેમત બાદ એસ.ટી. બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.

ખોડિયાર નગર રેલ્વે અન્ડરબ્રિજના નાલામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો હતો. જેતપુર રોડ પર મોહન પાર્કમાં પાણી ભરાતા સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા ગુંદાળા શેરીમાં વરસાદિ પાણી-પાણી થયા હતા મોહન પાર્કના રહીશોની રજૂઆતો સામે તંત્ર દ્વારા અપાયા ઉડાવ જવાબ.

બીજી તરફ વાવાઝોડા જેવા પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી થયા છે. ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર લગાવેલું એક મસમોટું હોર્ડિંગ પવનના કારણે ઉડીને નીચે પડ્યું હતું. હજુ પણ અનેક હોર્ડિંગ્સ જોખમી રીતે લટકી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.

આ વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત તો ચોક્કસ મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદથી ક્યાંક ખુશી છે, તો તંત્રની ઘોર બેદરકારીના કારણે જનતામાં ભારે ચિંતા અને રોષનો માહોલ છે.