ગુજરાત
પોરબંદર: ભીમા દુલાને દારૂના કેસમાં જામીન, પુત્ર-પુત્રવધૂ સામે ગુનો નોંધાયો
નિયત મર્યાદા કરતા વધુ કારતુસ મળ્યા
પોરબંદરના કુખ્યાત ભીમા દુલા અંગે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. પ્રોહિબિશનનાં કેસમાં ભીમા દુલા ઓડેદરાને આજે જજનાં નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો.
જો કે, આજે પણ જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરીને જામીન આપ્યા છે. ગઈકાલે રાણાવાવ પોલીસે દારૂૂના કેસમાં ભીમા દુલાની ધરપકડ કરી હતી. અગાઉ શુક્રવારે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ થઈ હતી, જ્યારે શનિવારે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.
પોરબંદરમાં કુખ્યાત ગેંગનાં લીડર ભીમા દુલાને ફરી એકવાર મોટી રાહત મળી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાને ગઈકાલે રાણાવાવ પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો હતો. પ્રોહિબિશનનાં એક કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આજે લગભગ બપોરે 3 કલાકે જજનાં નિવાસસ્થાને ભીમા દુલાને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરી જામીન આપ્યા છે. આમ, કુખ્યાત ભીમા દુલાને એક વાર ફરી મોટી રાહત મળી છે.જણાવી દઈએ કે, અગાઉ શુક્રવારે મારામારીનાં કેસમાં ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે શનિવારે ભીમા દુલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હથિયાર અને મારમારીનાં કેસમાં ઝડપાયેલા ભીમા દુલા ઓડેદરાને કોર્ટે જામીન આપતા તે મુક્ત થયો હતો. પરંતુ, ત્યાર બાદ પોલીસે તેની અન્ય પ્રોહિબિશનનાં કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે ભીમા દુલા ઓડેદરાનાં પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે પણ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ભીમા દુલાનો પુત્ર લખમણ દુલા ઓડેદરા પોરબંદરના માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન તરીકે કામગીરી કરે છે. તેની પાસે નિયમ કરતા વધારે કારતૂસ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.