Site icon Gujarat Mirror

લોકપ્રિય ગુજરાતી ગાયક ‘જિગરા’એ પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

ગુજરાતી સંગીત જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક જિગરદાન ગઢવી, જે ચાહકોમાં ’જિગરા’ તરીકે ઓળખાય છે, તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
જિગરદાન ગઢવીએ રામ નવમીના પવિત્ર અવસરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ’હું અહીં આ માધ્યમથી જાહેર કરું છું કે હવે પછી હું ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ અને યુટ્યુબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’

છેલ્લા એક દાયકાથી ગુજરાતી ફિલ્મ જગતમાં અનેક સુપરહિટ ગીતો આપનાર જિગરાએ પોતાની 10 વર્ષની સફરને અદભૂત ગણાવી હતી. તેણે આ પ્રવાસ દરમિયાન મળેલા પ્રેમ અને સપોર્ટ માટે હૃદયપૂર્વક તમામ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટની શરૂૂઆતમાં સૌને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી છે.

જિગરદાન ગઢવીએ શા માટે આ અચાનક નિર્ણય લીધો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. ’વ્હાલામ આવો ને’ જેવા અનેક લોકપ્રિય ગીતો આપનાર ગાયકની આ વિદાય ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ સમાન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના મનપસંદ ગીતો યાદ કરી રહ્યા છે અને સિંગરના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

Exit mobile version