ખંભાળિયામાં ચારધામની યાત્રા બાબતે થયેલા ફ્રોડની રકમ પોલીસે પરત અપાવી

ખંભાળિયા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે સતવારા સમાજના 59 જેટલા ભાવિકોને ચારધામની યાત્રામાં લઈ જવાના નામે ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામનો એક શખ્સ દરેક લોકો પાસેથી રૂૂ.…

ખંભાળિયા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે સતવારા સમાજના 59 જેટલા ભાવિકોને ચારધામની યાત્રામાં લઈ જવાના નામે ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામનો એક શખ્સ દરેક લોકો પાસેથી રૂૂ. 4,000 મળી, કુલ રૂૂ. 2,36,000 ની રકમ મેળવી લીધા બાદ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી નાસી છૂટ્યો હતો.

આ બનાવને અનુલક્ષીને ભોગ બનનારા લોકોની રજૂઆત સાંભળીને સમાજના આગેવાનો દ્વારા સાથે રહી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેથી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના આગેવાન રસિકભાઈ નકુમ અને મયુરભાઈ નકુમના સતત સંપર્કમાં રહી એક અઠવાડિયામાં સર્વેલન્સ સ્ટાફ હેમતભાઈ નંદાણીયા અને કાનાભાઈ લુણાએ આ પ્રકરણના આરોપીની શોધખોળ કરી તેની ભાળ મેળવી હતી.

આ પછી રકમ રૂૂ. 2,36,000 ની રિકવરી કરી અને પોલીસ વિભાગ દ્વારા આગેવાનોને રકમ પરત કરવામાં આવી હતી. જે-તે સમયે ભોગ બનનારા લોકોમાંથી મોટાભાગના લોકો હાલમાં પોત પોતાની વ્યવસ્થા મુજબ અન્ય વાહનોમાં યાત્રાએ નીકળી ગયા હોવાથી દિવાળી પછી આ 59 લોકોની યાદી મુજબ તમામને પૈસા પરત ચૂકવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા આ નોંધપાત્ર કામગીરી બદલ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.