નવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ…

ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા બે આરોપીઓને એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,20 મે, 2026ના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં GUJCTOC એક્ટ-2015ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા સહિત ત્રણ આરોપીઓ અન્ય ગુનાઓમાં જેલમાં છે. આ ઉપરાંત બે આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલી રહી હતી.

જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા, પાસા, લાલશાહી અને ગુજસીટોકના આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. તે અંતર્ગત એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

પોલીસે ફરાર આરોપી રવિભાઈ બચુભાઈ બાંભણીયા (ઉ.વ.22), રહે. કોબ, તાલુકો ઉના, જેને સામે અગાઉ કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે, તેમજ કીર્તીભાઈ રાજુ ભાઈ બાંભણીયા (ઉ.વ.21), રહે. કોબ ઝાપા વિસ્તાર, તાલુકો ઉના, જેને સામે અગાઉ ચાર ગુનાઓ નોંધાયેલા છે, તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવા માં આવશે.