ગુજરાત
ઉમિયાધામ જશવંતપુર મંદિરનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટમાં વસતા 40 હજારથી વધુ કડવા પાટીદાર પરિવારને મા ઉમિયાની અસીમ કૃપા અને આશીર્વાદથી સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશક્ત અને સંગઠીત સમાજના નિર્માણ દ્વારા પ્રભાવશાળી અને સામર્થ્યવાન રાષ્ટ્રની યશોગાથામાં સહભાગી થઈને સૌ સહિયારો વિકાસ સાધે તેવા ઉમદા હેતુથી રાજકોટની ભાગોળે (જશવંતપુર) ન્યારી નદીના કાંઠે કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે.આ મંદિરનું ખાતમુહૂર્ત તા. 13-12-2024 ને શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કડવા પાટીદારના નિઝ મંદિર એવા ઉંઝા મંદિરના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ હાજર રહેનાર છે. રાજકોટ જીલ્લાના ત્રણેય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, સિદસર મંદિરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી અને ગુજરાત રાજ્યના પૂર્વના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના તમામ ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ,ધારાસભ્યો,માજી સાંસદ, માજી ધારાસભ્યો,રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ,રાજકોટના મેયર, કોર્પોરેટરશ્રી, જીલ્લા પંચાયતના સભ્યો,સમાજ શ્રેષ્ઠીઓ પણ હાજર રહેશે.
મંદિરનું ખાતમુહૂર્ત તા. 13-12-2024 ના રોજ થવાનું છે.પરંતુ તેના નિર્માણના બીજ 2011 માં શ્રી પટેલ સેવા સમાજના એક કાર્યક્રમમાં વડિલો એકત્ર થયા હતા ત્યારે રોપાયા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોએ ડો.ડાયાભાઇ ઉકાણી (બાન લેબ) ની આગેવાનીમાં એક સૂરે કહ્યું કે રાજકોટમાં કડવા પાટીદારોની વસ્તીને ધ્યાને લઈને કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ થવું જોઈએ.ત્યારબાદ શ્રી પટેલ સેવા સમાજના વડિલ-વંદનાના કાર્યક્રમમાં વડિલોએ ફરીથી 2011 ની મંદિર નિર્માણની વાતને યાદ કરી જણાવ્યું કે હવે તો રાજકોટમાં 40,000 થી વધુ કડવા પાટીદારના પરિવારો થઈ ગયા છે,તો હવે ઝડપથી મંદિર નિર્માણ થવું જોઈએ.
આ માટે સૌ વડિલોએ શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ(ફિલ્ડમાર્શલ) ને રાજકોટમાં મંદિર કરવાની જવાબદારી સોંપવામાં આવી. અરવિંદભાઈ પટેલે શ્રી પટેલ સેવા સમાજ અને શ્રી પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓને બોલાવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને મંદિર નિર્માણ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી.સૌ પ્રથમ મંદિર નિર્માણ માટે જગ્યા પસંદગી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી અનેક વિસ્તાર અને જગ્યાઓના અધ્યયન બાદ ન્યારી નદીના કિનારે જશવંતપુર ખાતે બે એકર જમીન ખરીદ કરવામાં આવી.જમીન ખરીદી કર્યા બાદ મંદિર બનાવવાની પ્રક્રિયા શરુ કરવાની હતી પરંતુ પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ને સતત એવું લાગતું હતુ કે હજું આમાં કઈક અધૂરું છે.માત્ર મંદિર નિર્માણથી માતાજીનું સાનિધ્ય તો મળશે પરંતુ માના આશીર્વાદ થકી સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો સમાજને શિક્ષિત, સશક્ત અને સંગઠિત કરવા હોય તો સમાજ ઉપયોગી પ્રવૃતિઓ મંદિરના સાનિધ્યમાં થવી જોઈએ.
આ માટે મંદિર નિર્માણની જગ્યાની બાજુમાં રહેલ સરકારી ખરાબો સરકારશ્રી પાસેથી ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું.ખાનગી જમીન હોય તો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકત પરંતુ સરકારી જમીન ખરીદ કરવી એક જટિલ પ્રક્રિયા છે. આ માટેની પ્રક્રિયા 2016થી શરુ કરવામાં આવી અને જમીનનો છેક 2024માં મળ્યો.આ પેટે અનેક વખત ગાંધીનગર સરકારી કચેરીથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતના અંતે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ માટે પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) ઉપ પ્રમુખ નંદલાલભાઈ માંડવિયા,અને ઉમિયા માતાજી સંસ્થાનની તમામ લીગલ પ્રક્રિયા સંભાળતા સંગઠનના ચેરમેન નિલયભાઈ ડેડાણીયા અને યુવા સંગઠનના પ્રમુખ ડેનીસભાઈ કાલરિયા ઉપરાંત ટ્રસ્ટીઓ કિશોરભાઈ ઘોડાસરા,કાંતિભાઈ મકાતી અને પ્રભુદાસભાઈ કણસાગરા સહિતના ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના સભ્યો,ધારાસભ્યોથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરી હતી.આમ અનેક સરકારી-બિન સરકારી તેમજ અન્ય અડચણોને દૂર કરી શિક્ષિત,સશક્ત અને સંગઠિત સમાજ નિર્માણના ખાતમુહૂર્ત સુધી પહોચી શક્યા છીએ.