ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા

ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા…

ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા કરવામાં આવતી અભદ્ર ગાળાગાળી બાબતે આરોપી મિત્ર નિતિન મકવાણા સાથે માથાકૂટ થઈ હતી. આ બાબતે ઉશ્કેરાયેલા નિતિને લાકડીના બેરહેમ ઘા મારી મિત્રના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સુલ્તાનપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નાં ભાઇ જગદિશભાઈ ડાબસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા (રહે. વેકરી) ગત 17 જુલાઈની રાત્રે ભંડારિયા ગામની સીમમાં આવેલા આરોપી નિતિન રમણીકભાઈ મકવાણાની વાડીએ જમવા ગયો હતો. અહીં બંને મિત્રો સાથે બેસીને જમી રહ્યા હતા. આ દરમિયાન લાલજી ગમે તેમ ગાળો બોલતો હતો. નિતિનની માતા પણ ત્યાં જ હાજર હોવાથી, નિતિને તેને ગાળો નહી બોલવા સમજાવ્યો હતો. જોકે, લાલજીએ માનવાને બદલે નિતિનને પણ ગાળો આપવાનું ચાલુ રાખતા મામલો બિચક્યો હતો.

ગાળો આપવાની બાબતે ઉશ્કેરાઈ ગયેલા નિતિન મકવાણાએ તુરંત જ લાકડી ઉઠાવી લાલજી પર તૂટી પડ્યો હતો. તેણે લાલજીના માથા અને મોઢાના ભાગે લાકડીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓને કારણે લાલજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મૃતકના સંબંધી પ્રફુલ ચાવડાએ ફરિયાદી જગદિશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, લાલજીને નિતિનની વાડીએ કંઈક માથાકૂટ થઈ છે અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનો જ્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લાલજી લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે ગાળો બોલવા જેવી નજીવી બાબતે મિત્રએ જ લાકડીના ઘા મારી હત્યા કરી છે. બનાવ બાદ મૃતદેહ ને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે જગદિશભાઈ ડાબસરાની ફરિયાદ લઇ નિતિન મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.