પોલીસ કર્મચારીઓને દિવાળીની ભેટ, 56ને બઢતી

  દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેર પોલીસ દળના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને આનંદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.…

 

દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેર પોલીસ દળના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને આનંદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા કુલ પ6 કર્મચારીઓને એકસાથે બઢતી આપવામાં આવી છે, જેનાથી પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા ’ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેક્ટ અને ’શોધ ’ યોજના અંતર્ગત મંજૂર થયેલી નવી જગ્યાઓને આધારે આ પ્રમોશન આપવામાં આવ્યા છે. આ બઢતી પ્રક્રિયામાં 26 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે તથા 30 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામ આવી છે.
દિવાળીના તહેવારો પૂર્વે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા કુલ પ6 પોલીસ કર્મચારીઓને બઢતી આપી દિવાળીની ભેટ આપવામાં આવી છે.

નવી ફાળવાયેલ જગ્યાઓમાં ડાયલ 112 ’જનરક્ષક’ પ્રોજેક્ટ હેઠળ 22 જગ્યાઓ અને ’શોધ ’ યોજના હેઠળ 4 નવી જગ્યાઓ. ઉભી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓએ સરકારના નિયમો મુજબ સી.સી.સી. પરીક્ષા પાસ કરેલી હોય અથવા પ0 વર્ષની વય મર્યાદા પૂર્ણ થતાં મુક્તિ મેળવેલી હોય, તેઓને આ બઢતીનો લાભ આપવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના અલગ-અલગ 12થી વધુ પોલીસ સ્ટેશનો, ટ્રાફિક શાખા, ખાસ શાખા, ડી.સી.બી., સાયબર ક્રાઈમ, અને મહિલા પોલીસ સ્ટેશન સહિતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ બઢતી સાથે નવી નિમણૂંક આપવામાં આવી છે.

તહેવારોના સમયે જ મળેલા આ પ્રમોશનથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહ વધ્યો છે અને શહેરની ક્રાઈમ કંટ્રોલ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.