Site icon Gujarat Mirror

સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ પૂર્ણ થવાનો આ અવસર આપણને રાષ્ટ્રની એકતા માટે નિરંતર પ્રયાસ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથની પોતાની અગાઉની મુલાકાતોની કેટલીક યાદગાર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે જો તેઓ પણ સોમનાથ મંદિરે ગયા હોય, તો તેઓ પોતાની તસવીરો ‘Somnath Swabhiman Parv હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે.

વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ભારત માતાના એવા અસંખ્ય સપૂતોને સ્મરણ કરવાનો પર્વ છે, જેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમજૂતી કરી નથી. સમય કેટલો પણ કઠિન કે ભયાવહ રહ્યો હોય, તેમનો સંકલ્પ હંમેશા અડગ રહ્યો છે અને તેમની સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા અતૂટ રહી છે. અટૂટ આસ્થાના એક હજાર વર્ષનો આ અવસર આપણને રાષ્ટ્રની એકતા માટે નિરંતર પ્રયાસ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

વડાપ્રધાન મોદીએ 31 ઑક્ટોબર 2001ના રોજ સોમનાથમાં યોજાયેલા કાર્યક્રમની કેટલીક ઝલક પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, તે વર્ષે 1951માં પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. 1951માં થયેલા આ ઐતિહાસિક સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ હાજર રહ્યા હતા. સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલ, કે.એમ. મુન્શીજી સહિત અનેક મહાન વ્યક્તિત્વોના યોગદાનનો વડાપ્રધાન મોદીએ ખાસ ઉલ્લેખ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 2001ના કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ગૃહમંત્રી એલ.કે. આડવાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version