રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણ

રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ)…

રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ) પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વીજ માળખાને સુસજ્જ અને મજબૂત બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ હાલ કુલ 05 વિભાગીય કચેરીઓ અને તેની અંતર્ગત 32 પેટા વિભાગીય કચેરીઓ રાત-દિવસ કાર્યરત રહીને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.

રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર જે. બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 575 ગામો અને આજુબાજુના અન્ય જિલ્લાઓના 49 ગામો મળીને કુલ 624 ગામોને વીજ વિતરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન વાવાઝોડા કે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો કોઈ ક્ષતિ સર્જાય તો તેનું ત્વરિત નિવારણ લાવી શકાય તે માટે પદ્ધતિસરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

ચોમાસાના સંભવિત પડકારોને પહોંચી વળવા માટે ગત તા. 01 એપ્રિલથી જ સઘન આયોજન હાથ ધરીને વીજ લાઈનો અને ફીડરોના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે જ્યોતિગ્રામ યોજના હેઠળના 305 ફીડર, શહેરી વિસ્તારના 86 ફીડર, ઇન્ડસ્ટ્રીયલ/જી.આઈ.ડી.સી. વિસ્તારમાં 244 ફીડર તેમજ ખેડૂતો માટે ખેતીવાડી વિસ્તારમાં 748 ફીડર મળીને કુલ 1,383 ફીડરોનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આપત્તિ વ્યવસ્થાપનને વધુ સચોટ અને ગતિશીલ બનાવવા માટે માનવબળનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

દરેક ડિવિઝન દીઠ 04 મળીને કુલ 20 ઈમરજન્સી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોમાસા દરમિયાન ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત, નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે આગામી તા. 01 જૂનથી પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી ખાતે 24×7 કાર્યરત રહે તેવું ’ઈમરજન્સી ઓપરેશન સેન્ટર’ શરૂૂ કરવામાં આવશે. આમ, ગુજરાત સરકારનું પી.જી.વી.સી.એલ. તંત્ર ચોમાસા દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા સજ્જ છે.

આકસ્મિક પરિસ્થિતિ માટે સામગ્રીનો પૂરતો સ્ટોક
ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિના સમયે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો અગાઉથી જ સંગ્રહિત કરી લેવામાં આવ્યો છે. 236 સ્થળો પર કુલ 3,369 નંગ વીજ થાંભલાઓનો પૂરતો જથ્થો પહેલેથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે જ, કોઈપણ ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મરને તુરંત બદલી શકાય તે માટે બફર સ્ટોક રાખવામાં આવ્યો છે, જ્યાં હાલ વિવિધ ક્ષમતાના કુલ 8,510 નંગ વીજ ટ્રાન્સફોર્મર આકસ્મિક ઉપયોગ માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.