રાજકોટમાં દૂષિત પાણીની વ્યાપક ફરિયાદો : વોર્ડ નં.4ના વેલનાથપરામાં ભૂગર્ભ ગટરની ગંદકી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી હોવાની શક્યતા વચ્ચે વિસ્તારમાં રોગચાળાના ભયનો ઓથાર
રાજકોટના સંખ્યાબંધ વિસ્તારોમાં દુષિત પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે શહેરના સામાકાંઠે મોરબી રોડ પર વોર્ડ નં.4માં આવેલા વેલનાથપરામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઇયળ, પોરા સહિતની જીવાતો મિશ્રિત પાણી પાઇપલાઇનમાંથી આવતુ હોવાની અત્યંત ગંભીર કહી શકાય તેવી હકિકત સામે આવી છે. વિસ્તારના રહેવાસીઓનો પોકાર મનપાના બહેરા કાને ન સંભળાતા અંતે આજે રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાણીમાં તરતી જીવાતો સાથેના વાસણ ભરીને પુરાવા સાથે તંત્રને ઢંઢોળવા માટેનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ દિવસે દિવસે દુષિત, દુર્ગંધ યુક્ત પાણી વિતરણની ફરિયાદો સતત વધી રહી છે. થોડા સમય પહેલાં વોર્ડ નંબર 10ના જીવનનગર સહિતની દસ સોસાયટી વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે રહેવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા.
એ પછી હવે વોર્ડ નંબર 4ના આખા વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણની ફરિયાદ સાથે મહિલાઓ એકઠી થઈ હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 4ના પુર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાના કહેવા મુજબ વોર્ડ નંબર 4ના આખાં વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી નળ વાટે વિતરણ કરવામાં આવે છે. આ પાણી જરા પણ પીવા લાયક નથી. મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ ખાલી કહેવા પુરતી અને કાગળમાં બતાવવા પુરતી જ કામગીરી છે.
વેલનાથપરામાં જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થતુ હોવાની મહાનગર પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ દિવસથી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ તેમણે વ્યકત કર્યો હતો. વેલનાથ પરાના નાગરિકોનાં આક્ષેપ મુજબ અમારા વિસ્તારમાં ખાલી પાણી નહીં સફાઈની પણ સમસ્યા છે.
અમારા વિસ્તારમાં કાયમી ગંદકીના ઢગલા જોવા મળે છે. સફાઈ કામદારો મન પડે તો આવે છે. ભૂગર્ભ લાઇનની ગંદકી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી હોવાની શક્યતા વચ્ચે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશતથી લોકો થરથરી રહ્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના અનેક કેસ
વેલનાથપરાના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે, છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા છે. ખાસ કરીને બાળકોમાં પાણીજન્ય બીમારી વધી છે. આ વિસ્તારમાં આવતા ખાનગી ક્લીનિકમાં દર દસમાંથી છ થી સાત કેસ ઝાડા ઉલ્ટી સહિત પાણીજન્ય બીમારીના છે. પાણીમાં જીવાતો ખદબદતી હોય છે. પીવાના ઉપયોગમાં તો ઠીક વપરાશમાં પણ લઇ ન શકાય તેવી દુર્ગંધ પાણીમાંથી આવે છે.
ચૂંટણી ટાણે બે હાથ જોડીને આવતા કોર્પોરેટરો ડોકાતા પણ નથી
નગરસેવક કાળુભાઇ, ભરતભાઇ, કંકુબેન અને રાજેશ્વરીબેને ગણતરીના દિવસોમાં જ દેખાવાનું બંધ!
મનપાની ચૂંટણી પુરી થઇ તેને હજુ ગણતરીના દિવસો માંડ થયા છે. હજુ તો નવા પદાધિકારીઓએ તાજપોશી પણ કરી નથી. નવા નગરસેવકો મતનો સ્વાર્થ પુરો થઇ ગયાના ગણતરીના દિવસોમાં જ ગાયબ થઇ ગયા છે તેવો આક્રોષ સાથે આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં આ વખતે ચૂંટાયેલા ભાજપના નગરસેવકો કાળુભાળ કુગશિયા, ભરતભાઇ લીંબાસિીયા, કંકુબેન ઉધરેજા અને રાજેશ્વરીબેન માલવિયા ચૂંટણી ટાંણે બે હાથ જોડીને આવ્યા હતા. આજે તેમને આ વિસ્તારની પાણીની સમસ્યાની જાણ હોવા છતા ડોકાતા પણ નથી. મતનો સ્વાર્થ પૂરો થઇ ગયાના ગણતરીના દિવસોમાં જ આ નગરસેવકોએ પ્રજાદ્રોહ કર્યાનો આક્રોષ રહેવાસીઓમાં ભભૂકી રહ્યો છે.
