Site icon Gujarat Mirror

દુબઈના હવાલા નેટવર્કમાં સંડોવાયેલા શખ્સની રાજકોટના જીએસટીના બોગસ બિલિંગમાં ધરપકડ

રાજકોટના ચર્ચાસ્પદ નકલી જીએસટી બીલ કૌભાંડ મામલે એસઓજીએ મહેશ લાંગાના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. પકડાયેલો આ શખ્સ તાજેતરમાં જ તિહાડ જેલમાંથી છુટ્યો છે. દુબઈના હવાલા નેટવર્કમાં જેની દિલ્હી પોલીસેધરપકડ કરી હતી તેવા સુત્રાપાડાના શખ્સે મહેશ લાંગાની પેઢીને એકાઉન્ટ ભાડે આપ્યા હતાં. જેમાં બોગસ બીલીંગની રકમ જમા કરવામાં આવતી હતી. શહેરમાં બોગસ બિલિંગ મામલે એસઓજીએ રાજકોટમાં ગુનો નોંધી અલગ અલગ પેઢીઓના નામે બોગસ બીલ બનાવીને જીએસટી મેળવતા પેઢીના સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો.

રાજકોટની ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલીને મહેશ લાંગા અને તેમના સાગ્રીતોને ગુજરાતભરમાં અલગ અલગ પેઢીઓ પાસેથી નકલી જીએસટી બીલ મેળવી કૌભાંડ આચર્યુ હતું. મહેશ લાંગાની પરમાર એન્ટરપ્રાઈઝને એકાઉન્ટ ભાડે આપનારને મુળ સુત્રાપાડાના વતની અને હાલ જૂનાગઢ રહેતા પ્રશાંત ગીરીશ યોગાનંદીનું નામ ખુલ્યું હતું. જેની એસઓજીની ટીમે ધરપકડ કરી હતી. એસઓજીની તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ પ્રશાંત યોગાનંદીની થોડા વખત પૂર્વે દિલ્હી સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી. દુબઈથી ક્રિકેટના સટ્ટા સહિતના હવાલાના નેટવર્કમાં જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થતાં હતાં તે બેન્ક એકાઉન્ટમાં પ્રશાંત યોગાનંદીએ દિલ્હીની ટોળકીને ભાડે આપ્યા હતાં. તે તાજેતરમાં જ તિહાડ જેલમાંથી છુટ્યો હતો. એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version