Site icon Gujarat Mirror

માતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોત

અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જઈ રહેલા માઈભક્તોને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓનો એક સંઘ માતાજીનો રથ લઈને મહેસાણાથી ભાવનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ પદયાત્રીઓ જ્યારે બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર મારીને વાહનચાલક ઊભા રહેવાને બદલે અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતને પગલે હાઈવે પર ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, એક પદયાત્રીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક પદયાત્રીની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version