ક્રાઇમ
ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે શહેરના રાજદીપ સોસાયટી મેઈન રોડ ઉપરથી સુથાર શખ્સને રૂા. 1.24 લાખની કિંમતના 12.41 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપીલીધો હતો. આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબત ઉપર એસઓજીએ તપાસ કેન્દ્રીત કરી છે.
રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવા અને યુવા વર્ગને નશાના રવાડે ચડતુ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની મુહિમ હેઠળ એસઓજીની ટીમ સતત કામીરી કરી રહી છે ત્યારે બાતમીના આધારે આજે ન્યુરાજદીપ સોસાયટી મેઈન રોડ ઉપર પટેલ પ્રોવિઝન સ્ટોર પાસે દરોડો પાડી રોડ ઉપરથી ઓમનગર પાસે 40 ફૂટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં. 3/6 કુળદેવી મકાનમાં રહેતા અંકુર ઉર્ફે બાડો કિરિટભાઈ સંચાણિયા ઉ.વ.27ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂા. 1.24.100ની કિંમતનું 12.41 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. રૂા. 1.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા સાથે પીએસઆઈ એમ.બી. માજીરાણા તથા એ.એસ.આઈ. ધર્મેશભાઈ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરુણભાઈ બાંભણીયા, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.