રાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધું

રાજકોટના ભગવતીપરામાં રહેતા એક શખ્સે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની એક યુવતી સાથે ઓળખાણ કરી, વિશ્વાસ કેળવી યુવતી પાસેથી મેળવેલા અંગત આધાર-પુરાવાઓનો દુરુપયોગ કરી, બોગસ…

રાજકોટના ભગવતીપરામાં રહેતા એક શખ્સે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની એક યુવતી સાથે ઓળખાણ કરી, વિશ્વાસ કેળવી યુવતી પાસેથી મેળવેલા અંગત આધાર-પુરાવાઓનો દુરુપયોગ કરી, બોગસ સહીઓ દ્વારા ખોટું નિકાહનામું અને લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવી લેવાના ગંભીર કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં રાજકોટના યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, ખંભાળીયાની રહેવાસી યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશરે એકાદ વર્ષ પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ પર રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા પરવેઝભાઈ ઇબ્રાહીમભાઈ બુકેરા નામના યુવકે સંપર્ક કર્યો હતો. પરવેઝે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને કોલ મારફતે વાતચીત શરૂૂ કરી દોસ્તી કેળવી હતી, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી.

જાન્યુઆરી-2026 માં આરોપી પરવેઝે યુવતી પાસે ઉંમરના પુરાવા માંગતા યુવતીએ પોતાના તથા પોતાના માતા-પિતાના આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડની નકલો વોટ્સએપ મારફતે મોકલી આપી હતી. બાદમાં યુવતી સાથે મુલકાત દરમિયાન સાથે મુસાફરી વખતે યુવતીનો મોબાઈલ ફોન ચેક કરવાના બહાને આરોપી પરવેઝે યુવતીની જાણ બહાર તેનો વોટ્સએપ ’લિંક્ડ ડિવાઇસ’ દ્વારા પોતાના ફોનમાં કનેક્ટ કરી લીધો હતો.

ત્યારબાદ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ યુવતીના જન્મદિવસ પર આરોપી પરવેઝે વોટ્સએપ પર લગ્નનું નિકાહનામું અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મોકલ્યું હતું. જેમાં યુવતીની બોગસ સહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, માર્ચ માસમાં આરોપીએ યુવતીના લિંક થયેલા વોટ્સએપનો દુરુપયોગ કરી તેના પરિવાર દ્વારા નક્કી કરાયેલી સગાઈ પણ તોડાવી નાખી હતી.

આ સમગ્ર બનાવ બાદ યુવતીના પરિવારે મોબાઈલમાંથી ડેટા રિકવર કરાવતા ખોટા નિકાહનામા અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના ફોટા મળી આવ્યા હતા. આરોપી પરવેઝે મેળવેલા દસ્તાવેજોનો ઉપયોગ કરી, યુવતીની ખોટી સહીઓ કરી/કરાવી, વકીલ મારફતે તારીખ 19/01/2026 ના રોજ ખોટું નિકાહનામું બનાવ્યું હતું અને ત્યારબાદ ગોંડલ સેવા સદન ખાતે તારીખ 10/02/2026 ના રોજ રજીસ્ટ્રેશનથી લગ્ન નોંધણી કરાવી લીધી હતી.

આ અંગે યુવતીએ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઝીરો નંબરથી એફઆઈઆર ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ગોંડલ સીટી પોલીસે આરોપી પરવેઝભાઈ ઇબ્રાહીમભાઈ બુકેરા સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.વી. ડાંગરે હાથ ધરી છે.