પાણીપુરીના શોખીનો ચેતજો, પાણીપૂરીમાંથી ‘હાડકું’ મળ્યું!

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાના ત્યાં પકોડી ખાવા માટે ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો…

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાના ત્યાં પકોડી ખાવા માટે ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે ગઈ હતી. સૌપ્રથમ પકોડીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે ધ્યાને લીધું નહોતું. ત્યારબાદ છેલ્લી પકોડીમાંથી હાડકું નીકળતા યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોની ખરાઈ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કરી રહ્યું છે.

રાણીપ વિસ્તારમાં ડી માર્ટ પાસે એક પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે રાણીપ ડી માર્ટ પાસે ક્રિષ્ના ભેળ પકોડીવાળો ઉભો રહે છે. ગઇકાલે 15 મે શુક્રવારના રોજ એક યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે ત્યાં સાંજના સમયે 6:30 વાગ્યે પહોંચી હતી. યુવતી અને તેની માતાએ પકોડી ખાધી હતી. જેમાં પકોડી ખાતા સમયે એક વખત પકોડીમાંથી વાળ આવ્યો હતો પરંતુ તેમને કંઈ કહ્યું નહોતું, જે અમારી ભૂલ હતી. ત્યારબાદ છેલ્લી પકોડી ખાધી જેમાં મેં પકોડી ખાધી તેમાંથી હાડકું નીકળ્યું હતું. મેં તેમને કહ્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ લાકડું છે. પકોડી ખાવા માટે આવેલા બીજા ચાર લોકોને જ્યારે બતાવવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે આ હાડકું છે.

ફરીથી તેમને અમે કહ્યું તો પાછું અમને કહ્યું કે આ લાકડું છે અને કાપીને બતાવીએ એમ કહ્યું અને કાપ્યું તો કપાયું નહીં અને ત્યારબાદ કહે છે કે હાડકું છે અને અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ હાડકું ઉડીને આવ્યું હશે તેમ કહી દીધું હતું. આ સમગ્ર વીડિયો વાઇરલ થયા બાદ હાલમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે. પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. અલગ સ્થળેથી પાણી પુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી. ફૂડ વિભાગે 1,121 પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લીધા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવાલાયક ન હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળ્યા હતા.