4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા…

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. એકધારા અને ભારે વરસાદના પગલેઆસપાસના ખેતરોનું પાણી ગામ તરફ ધસી આવતાં અનેક વિસ્તારો માં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામના રસ્તા ઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યોસર્જાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો માં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને રાતભર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પાલડી ગામમાં મોડી રાત્રે વરસાદનું જોર વધતાં અચાનક ખેતરાઉ પાણીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વળ્યો હતો.એકસાથે મોટી માત્રામાં પાણી ગામમાં ફરી વળતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણી એટલી ઝડપથી ઘરો તરફ ધસી આવ્યું હતું કે અનેક પરિવારો ને ઘરનો સામાન બચાવવાનો સમય પણ મળ્યો ન હતો.

ગામના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં એક મકાનથી બીજા મકાન સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. કેટલાક વિસ્તારોમાં તો ઘરો ચારે તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જતાં અનાજ, ઘરવખરી, કપડાં સહિતની જીવનજરૂૂરી ચીજવસ્તુઓને નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે આશરે 2 હજાર હેક્ટર વિસ્તારમાંથી વરસાદી પાણી એકસાથે નીચાણ તરફ ધસી આવતાં પાલડી ગામમાં પાણીની સ્થિતિ ગંભીર બની હતી. પાણીના ધસમસતા પ્રવાહ ના કારણે લોકો એકબીજાના ઘરે પણ પહોંચી શકતા ન હતા. અનેક પરિવારો પોતાના ઘરમાં જ પાણી વચ્ચે ફસાયેલા રહેવા મજબૂર બન્યા હતા.

પાણી ઘરમાં ઘૂસી જતાં કેટલાક પરિવારોને રાતભર જાગીને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. ઘર નો સામાન પાણીમાં પલળી જતાં અને કેટલીક વસ્તુઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતાં પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

પાલડી ગામના સરપંચ મનુભાઈ વાધેલાના જણાવ્યા મુજબ આશરે 200 જેટલા ઘરોમાં વરસાદી પાણીની અસર પહોંચી હતી. રાત્રિના સમયે જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં સવાર સુધી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ન હોવાનું સરપંચે જણાવ્યું હતું. પાલડીની સાથે કેસરિયા ગામમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. કેસરિયાના નવાપરા વિસ્તાર, બાંભણીયા શેરી તેમજ રામદેવપીર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા.

ભારે વરસાદ બાદ પાલડી-કેસરિયા પંથકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં રોડનું કામ કરવામાં આવ્યું છે અને રોડની સપાટી ઊંચી કરવામાં આવી છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણેપાણી રહેણાંક વિસ્તારો તરફ વળ્યું હતું.પરિણામે ભારે વરસાદ કુદરતી આફત હોવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની હોવાનો સ્થાનિકોએઆક્ષેપ કર્યોં હતો.

નાળીયા માંડવી ગામ પાસે પાણીની ખાડીમાં કાર ખાબકી
ઉના પંથકમાં ભારે વરસાદ બાદ નદી-નાળા અને ખાડી ઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતાં અનેક સ્થળોએ જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે નાળીયા માંડવી નજીક વરસાદી પાણીથી ભરાયેલી ખાડીમાં કોડીનારથી દીવ તરફ જઈ રહેલી કાર અચાનક ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી. કારમાં સવારચાર મિત્રો પાણીમાં ફસાઈ ગયા હતા, પરંતુ સમયસૂચકતા દાખવી તેઓ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા ચારેયનો આબાદ બચાવ થયો હતો. કારમાં દિનેશભાઈ બાંભણીયા, હરેશભાઈ ડાભી, ધીરુભાઈ સાંખટ અને ભાવેશભાઈ ચૌહાણ સવાર હોવાનું જાણવા મળ્યું છેપરિસ્થિતિની ગંભીરતા સમજી ચારેય મિત્રોએ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર કારમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો.