20 ફૂટ ઊંડા ભૂંગળામાં ફસાયેલા દીપડાનું દિલધડક રેસ્કયુ

ગીર પૂર્વ વન વિભાગના તુલસીશ્યામ (ખાંભા) રેન્જ હેઠળના કોઠારીયા રાઉન્ડમાં ગંભીર રીતે ઘાયલ અને બીમાર દીપડાને બચાવવા વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું…

ગીર પૂર્વ વન વિભાગના તુલસીશ્યામ (ખાંભા) રેન્જ હેઠળના કોઠારીયા રાઉન્ડમાં ગંભીર રીતે ઘાયલ અને બીમાર દીપડાને બચાવવા વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ચીખલકુબા કેમ્પસાઇટ નજીક વડલી વાળા રોડ પર આવેલા કોઝવેના અંદાજે 20 ફૂટ ઊંડા ભૂંગળામાં દીપડો ફસાયેલો હોવાની માહિતી મળતાં વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દીપડાની નાજુક હાલત અને રેસ્ક્યૂ દરમિયાન ઊભા થઈ શકે તેવા જોખમને ધ્યાનમાં રાખીને વનકર્મીઓએ સાવચેતીપૂર્વક કામગીરી કરી હતી.
કોઝવેના ઊંડા ભૂંગળામાં ફસાયેલા દીપડાની સ્થિતિ નાજુક હોવાથી તેને સામાન્ય રીતે પીંજરામાં લાવવો મુશ્કેલ હતો.

બીજી તરફ, ટ્રાન્ક્વિલાઇઝ કરવાની કામગીરી દરમિયાનદીપડો અચાનક સામે આવીને વન વિભાગના કર્મચારીઓને ઇજા પહોંચાડી શકે તેવી શક્યતા પણ હતી. પરિસ્થિતિમાં વનકર્મીઓએ જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક રેસ્ક્યૂની યોજના બનાવી હતી. ભૂંગળાના મુખ પાસે લોખંડનો પલંગ આડો રાખીને તેને મજબૂતીથી પકડી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂૂરી તકેદારી સાથે દીપડાને ટ્રાન્ક્વિલાઇઝ કરી બચાવાયો હતો. દીપડાને ટ્રાન્ક્વિલાઇઝ કર્યા બાદ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં નિષ્ણાત તબીબી દેખરેખ હેઠળ તેની સારવાર શરૂૂ કરવામાં આવી હતી.