વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણ

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી થઈ નથી ત્યારે આ દુર્ઘટના સાથે જોડાયેલી કેટલીક એવી માનવતાભરી ઘટનાઓ પણ બહાર આવી રહી છે, જે લોકોના હૃદયને સ્પર્શી જાય છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતા સવદાનભાઈ ચૌધરીનો પુત્ર કમલેશ ચાર વર્ષ પહેલાં પોતાના સપનાઓને સાકાર કરવા લંડન ગયો હતો. બે-ત્રણ વર્ષની મહેનત બાદ તેનો કામધંધો સારી રીતે સ્થિર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પરિવાર દ્વારા પસંદ કરાયેલી સમાજની યુવતી ધાપૂબેન સાથે વર્ષ 2024માં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ કમલેશ પત્નીને લંડન લઈ જવા માટે બનાસકાંઠા આવ્યો હતો. પોતાના નવા સંસાર અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે કમલેશ અને ધાપૂબેન એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનમાં સવાર થયા હતા. પરંતુ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ સર્જાયેલી દુર્ઘટનામાં બંનેના મોત થયા હતા. યુવાન પુત્ર અને પુત્રવધૂને ગુમાવ્યાનું દુ:ખ આજે પણ ચૌધરી પરિવારના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે. દુર્ઘટનાની જાણ થતાં જ લંડનમાં કમલેશ સાથે એક સ્ટોરમાં કામ કરતા ઉમર અલી નામના યુવકે કમલેશના પિતાનો સંપર્ક કર્યો હતો.

મૂળ પાકિસ્તાનનો રહેવાસી ઉમર અલી જાણતો હતો કે કમલેશ દરરોજ ચોક્કસ સમયે પોતાના પિતાને ફોન કરીને પરિવારની ખબરઅંતર પૂછતો હતો અને તેના આ નિયમમાં ક્યારેય એક દિવસનો પણ ભંગ થતો ન હતો. કમલેશના અવસાન બાદ ઉમર અલીએ આ સંબંધની નિત્યક્રમ જાળવી રાખી છે. ચૌધરી પરિવારના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન એવો એક પણ દિવસ ગયો નથી જ્યારે રાત્રે 8 વાગ્યે ઉમર અલીનો ફોન ન આવ્યો હોય.

કમલેશની જેમ જ તે પરિવારની ખબરઅંતર પૂછે છે અને થોડીવાર વાતચીત કરીને તેમનો હિંમત વધારવાનો પ્રયાસ કરે છે. વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં ચૌધરી પરિવાર હાજરી આપવા આવવાનો હતો. આ અંગે ઉમર અલીએ સવારે જ સંદેશ મોકલી દીધો હતો કે રાત્રે 8 વાગ્યે ફોન કરીને વાત કરશે. સરહદો અને દેશોની સીમાઓથી પર માનવતાનો આ સંબંધ આજે પણ ચૌધરી પરિવાર માટે એક મોટી લાગણીસભર હૂંફ બની રહ્યો છે.