Site icon Gujarat Mirror

પાક. બ્રિક્સમાં જોડાવા માગે છે, રશિયા-ચીનનું સમર્થન પણ મંજૂરીનો આધાર ભારત પર

BRICS ની સદસ્યતા માટે અરજી કરનારા 29 દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે; તેમાં જોડાવાના તેના પ્રયાસો મુખ્યત્વે તેના આર્થિક પડકારોને કારણે છે. પાકિસ્તાન ઇકોનોમિક સર્વે અનુસાર, દેશનો જીડીપી (ૠઉઙ) વૃદ્ધિ દર 3.70 ટકા રહ્યો હતો. નિક્કી એશિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાને BRICS -સમર્થિત ’ન્યૂ ડેવલપમેન્ટ બેંક’માં 580 મિલિયન ડોલરનો હિસ્સો ખરીદ્યો છે, જેથી તે તેના આર્થિક વિકલ્પોમાં વિવિધતા લાવી શકે અને વર્લ્ડ બેંક તથા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પરની નિર્ભરતા ઘટાડી શકે.

પાકિસ્તાનની અરજી એવા સમયે આવી છે જ્યારે ’ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશોના સમૂહ)ના મુખ્ય પ્રતિનિધિ તરીકે આ જૂથનું કદ અને મહત્વ વધી રહ્યું છે. BRICS માં હવે વિશ્વની લગભગ 49 ટકા વસ્તી અને વૈશ્વિક જીડીપીનો લગભગ 40 ટકા હિસ્સો (પરચેઝિંગ પાવર પેરિટી અથવા ખરીદશક્તિ સમાનતાના આધારે) સમાવિષ્ટ છે.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે BRICS ને વિકાસશીલ દેશો માટે એક મહત્વપૂર્ણ જૂથ ગણાવ્યું હતું. તેમણે પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાને BRICS માં જોડાવા માટે ઔપચારિક વિનંતી કરી છે. તેમણે કહ્યું, “અમે માનીએ છીએ કે BRICS માં જોડાઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવામાં અને સર્વસમાવેશક બહુપક્ષીયતાને પુનજીર્વિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમને એ પણ આશા છે કે BRICS પાકિસ્તાનની વિનંતી પર આગળ વધશે, દરમિયાન, રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલીએ રશિયન સમાચાર એજન્સી ઝઅજજ ને જણાવ્યું હતું કે તેમનો દેશ પાકિસ્તાનની સદસ્યતા માટે સમર્થન મેળવવાના હેતુથી સભ્ય દેશો – ખાસ કરીને રશિયા – સાથે વાતચીત કરી રહ્યો છે.

રશિયા અને ચીનનું સમર્થન હોવા છતાં, BRICS માં પાકિસ્તાનનો પ્રવેશ અટવાયેલો છે કારણ કે જૂથના સર્વસંમતિ-આધારિત પ્રવેશ નિયમો હેઠળ ભારતનો વિરોધ એક મોટો અવરોધ ઊભો કરે છે. આનો અર્થ એ છે કે કોઈપણ સંભવિત પૂર્ણ સભ્ય અથવા ભાગીદાર દેશ માટે તમામ વર્તમાન સભ્ય દેશોની સર્વસંમતિથી મંજૂરી આવશ્યક છે.

Exit mobile version