વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ષી જિનપિંગ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો સુધારો જોવા મળ્યો છે. BRICS 2026 શિખર સંમેલન દરમિયાન યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં બંને દેશો વચ્ચે 6 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર સીધી વિમાન સેવાઓ (Direct Flights) શરૂૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત નવી દિલ્હી અને ચીનના પ્રમુખ વ્યાપારી કેન્દ્ર ગ્વાંગઝૂ વચ્ચે સીધી ફ્લાઇટ્સ પુન: શરૂૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 2020માં કોવિડ-19 મહામારી અને ત્યારબાદ સરહદ પર સર્જાયેલા રાજનૈતિક તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની તમામ સીધી એરલાઇન સેવાઓ મુલતવી રાખવામાં આવી હતી. 6 વર્ષ સુધી સીધી ફ્લાઇટ્સ બંધ રહેવાના કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ત્રીજા દેશો મારફતે મુસાફરી કરવી પડતી હતી. હવે આ સેવાઓ ફરી શરૂૂ થવાથી બંને દેશોના નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને વિયેતનામ કે હોંગકોંગ થઈને જવાનો મોંઘો તથા લાંબો સમય બચશે. દિલ્હી-ગ્વાંગઝૂ ફ્લાઇટ્સ શરૂૂ થવાથી દ્વિપક્ષીય વેપારને નવો વેગ મળશે, કારણ કે ગ્વાંગઝૂ એ ચીનનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ છે જ્યાંથી મોટા પ્રમાણમાં ભારતીય વેપારીઓ માલસામાનની આયાત-નિકાસ કરે છે. બંને દેશોના નાગરિક ઉડ્ડયન મંત્રાલયો દ્વારા ફ્લાઇટ શેડ્યૂલ અને ઓપરેશનલ બાબતો આખરી આકાર આપવામાં આવી રહ્યો છે.

