મહેસુલ-પંચાયત-ગૃહ-માર્ગ અને મકાન-શિક્ષણ વિભાગ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની ફરિયાદનો મોટો ઉછાળો
વર્ષ 2025માં 8163 ફરિયાદો વિજિલન્સ કમિશનને મળી, 893 કેસોમાં સીધી તપાસ હાથ ધરાઇ, 637 અનામી અરજીઓ દફતરે કરાઇ
ગુજરાત સતર્કતા આયોગ (GVC)ના 62મા વાર્ષિક અહેવાલ મુજબ, રાજ્યમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સામે ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. 1 જાન્યુઆરી, 2025 થી 31 ડિસેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતા આ અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ દરમિયાન મળેલી કુલ 8,163 ફરિયાદોમાંથી મુખ્યમંત્રી હસ્તકના એકલા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સામે 1,275 ફરિયાદો આવી છે.
અહેવાલના આંકડાકીય વિશ્ર્લેષણ અનુસાર, 1,275 ફરિયાદો સાથે શહેરી વિકાસ વિભાગ પ્રથમ ક્રમે છે, જ્યારે 920 ફરિયાદો સાથે મહેસૂલ વિભાગ બીજા ક્રમે છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ 813-813 ફરિયાદો સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. માર્ગ અને મકાન વિભાગ 264 ફરિયાદો સાથે ચોથા ક્રમે અને શિક્ષણ વિભાગ 233 ફરિયાદો સાથે પાંચમા ક્રમે છે. ભૌગોલિક દ્રષ્ટિએ, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ફરિયાદો અમદાવાદ જિલ્લામાંથી મળી છે, ત્યારબાદ સુરત, વડોદરા, બનાસકાંઠા અને ગાંધીનગરનો ક્રમ આવે છે.
વર્ષ 2025 દરમિયાન મળેલી 8,163 ફરિયાદોમાંથી, આયોગે તેના અધિકારક્ષેત્ર હેઠળની ગંભીર બાબતોમાં 839 કેસોમાં સીધી તપાસ અને અહેવાલની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય 4,173 ફરિયાદો જરૂૂરી વહીવટી કાર્યવાહી માટે સંબંધિત સક્ષમ અધિકારીઓને મોકલવામાં આવી હતી, જ્યારે 702 ફરિયાદોમાં આક્ષેપકર્તાઓ પાસેથી વધુ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ ઉપરાંત, 1,812 ફરિયાદોને ચાલુ તપાસ ફાઇલો સાથે મર્જ કરવામાં આવી હતી અને 637 અનામી, બિન-સતર્કતા અથવા અસ્પષ્ટ ફરિયાદોને દફતરે (ક્લોઝ) કરવામાં આવી હતી.
સતર્કતા આયુક્ત સંગીતા સિંહે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર નિવારણ માટે અપડેટ કરાયેલ ’ઈ-વિજિલન્સ પોર્ટલ’ શરૂૂ કરવામાં આવ્યું છે, જેનાથી નાગરિકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરી શકે છે. 571 કસૂરવાર અધિકારીઓ સામે શિક્ષાત્મક ભલામણો કરવા ઉપરાંત, આયોગે સરકારી કચેરીઓમાં પ્રક્રિયાગત ખામીઓ પૂરવા માટે પ્રોએક્ટિવ રોલિંગ એક્શન પ્લાન અને ઇઙછ (બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ) પર ભાર મૂક્યો છે.
વિલંબિત તપાસ અને વિભાગીય વિલંબથી વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે
ગાંધીનગર ગુજરાત સતર્કતા આયોગના 62મા વાર્ષિક અહેવાલમાં વિલંબિત તપાસ સામે લાલ આંખ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, 2025ના અંત સુધીમાં વિવિધ સચિવાલય વિભાગો, બોર્ડ અને નિગમોમાં 4,150 પ્રાથમિક તપાસ અને સંદર્ભ કેસો પેન્ડિંગ હતા. તપાસના વિશ્ર્લેષણથી જાણવા મળે છે કે મુખ્ય સરકારી વિભાગો પાસે 3,666 પ્રાથમિક તપાસ કેસો બાકી છે, જ્યારે સરકારી માલિકીના બોર્ડ અને નિગમોમાં 149 કેસો અટવાયેલા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 750 પ્રાથમિક તપાસ અને 70 સંદર્ભ કેસો પાંચ વર્ષથી વધુ સમયથી અનિર્ણિત પડ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ 759 પેન્ડિંગ તપાસ સાથે યાદીમાં મોખરે છે, ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ 742 કેસો સાથે બીજા સ્થાને છે. મહેસૂલ વિભાગમાં 658 બાબતો પેન્ડિંગ છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગમાં 259 તપાસ અટકેલી છે. જાહેર ક્ષેત્રના સાહસોમાં, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં સૌથી વધુ 30 અને ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં 19 તપાસ પેન્ડિંગ નોંધાઈ છે. આયોગે ચેતવણી આપી હતી કે અસાધારણ વિલંબને કારણે પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા વધી જાય છે અને કસૂરવાર અધિકારીઓ નિવૃત્ત થઈ જતા હોવાથી શિસ્તભંગની કાર્યવાહી અસરકારક રહેતી નથી. આથી આયોગે વિભાગીય સચિવોને લાંબા સમયથી પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા આદેશ આપ્યો છે.
એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની 571 અધિકારી-કર્મચારીઓ સામે કડક કામગીરી
ગાંધીનગર સરકારી વહીવટમાં ભ્રષ્ટાચાર ડામવા માટે ગુજરાત સતર્કતા આયોગે વર્ષ 2025 દરમિયાન 571 અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ભલામણ કરી છે અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સાથે સંકલન મજબૂત બનાવ્યું છે. વર્ષ દરમિયાન, આયોગે 3,848 તપાસ અહેવાલો અને સંદર્ભ કેસોનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાંથી 219 કેસોમાં ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી, 244 કેસોમાં અંશત: કાર્યવાહી અને 729 કેસોમાં આક્ષેપો વજૂદ વગરના જણાતાં ફાઇલ બંધ કરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, અગાઉની ભલામણોના આધારે સક્ષમ અધિકારીઓ દ્વારા 430 દંડના આદેશો જારી કરવામાં આવ્યા હતા. ફોજદારી કાર્યવાહીના ભાગરૂૂપે, ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા, 1988 અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ 27 કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી આપવામાં આવી હતી. અઈઇના રેકોર્ડ દર્શાવે છે કે રાજ્યની વિવિધ અદાલતોમાં ભ્રષ્ટાચારના 2,508 કેસો વિચારણા હેઠળ છે, જેમાંથી 451 કેસો 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે.
