રાત્રી કોમ્બિંગ દરમિયાન છરી અને દારૂના નશામાં 35થી વધુ શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.…

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે રાત્રે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ શહેરના તમામ જાહેર માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને શંકાસ્પદ સ્થાનો પર આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ કરવાના આશયથી હાથ ધરવામાં આવેલા આ મેગા કોમ્બિંગ ઓપરેશનને પગલે ગુનેગારો અને આવારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આખી રાત ચાલેલી આ સઘન ઝુંબેશ દરમિયાન પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે છરી જેવા ઘાતક હથિયારો રાખીને ફરતા અને જાહેર માર્ગો પર દારૂૂ પીધેલી હાલતમાં રખડતા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સઘન ચેકિંગ દરમિયાન જાહેર માર્ગો પર ભયનો માહોલ ઉભો કરી શકે તેવા અને ગેરકાયદેસર રીતે છરી સાથે ફરતા કુલ 15 શખ્સોને પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી દબોચી લીધા હતા. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજકુમાર મલીક, પ્રવિણભાઈ રત્નાભાઈ ચૌહાણ, દાનીશભાઇ જુબેરભાઇ દસાણીયા, સહાડેબ હેમબરામ બૈદયનાથ હેમબરામ અને જયદેબ વેસરા ભરત વેસરાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણેશભાઈ કારીભાઈ સાહની અને સંજય રાજુભાઈ પરમાર તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી ફારૂૂકભાઈ બસીરભાઈ મલેક અને ગાંધીગ્રામ-2/યુનિવર્સિટી પોલીસ મથક હેઠળથી સાગરભાઇ નાગજીભાઈ ધુરકા-બારોટને છરી સાથે ઝડપી લેવાયા છે.

આ ઉપરાંત માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધર્મેશભાઇ સુરેશભાઇ રત્નેશ્વર, બી ડિવિઝનમાંથી દીપકભાઈ ભરતભાઈ સરવૈયા, આજી ડેમ પોલીસ સ્ટેશનમાંથી મનસુખભાઇ નાનજીભાઇ પરમાર તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી હકીમભાઇ ઇસ્માઇલભાઇ બુકેરા-સંધી, વિજયભાઇ હંસરાજભાઇ રાઠોડ અને હુશેનઅલી ગુલેબભાઈ ફકીરને પોલીસે ઘાતક હથિયાર સાથે રસ્તા પરથી પકડી પાડી લોકઅપ ભેગા કરી દીધા છે. બીજી તરફ, શહેરમાં નશાખોરો વિરુદ્ધ પણ પોલીસે લાલ આંખ કરી છે અને ગઈકાલની રાત્રિ દરમિયાન દારૂૂના નશામાં ચૂર થઈ જાહેર જનતા માટે ન્યુસન્સ બનેલા 21 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે તેવો સંકેત આપ્યો છે.