Site icon Gujarat Mirror

મહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયા

જિલ્લા-તાલુકા પંચાયતો માટે 100 ફોર્મ, જેતપુરમાં 3 ફોર્મ ભરાયા

રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારી પત્રો લેવા અને ભરવાની પ્રક્રિયા શરૂૂ થતા જ રાજકીય પક્ષોના કાર્યકરો અને અપક્ષ ઉમેદવારોની કલેક્ટર કચેરી તેમજ ઝોનલ કચેરીઓએ લાઈનો જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલે અને આજે બપોર સુધીમાં અંદાજે 800 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે. જોકે, મહાનગરપાલિકા માટે હજુ સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. એવી જ રીતે જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ અંદાજે 100 જેટલા ફોર્મ લેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પણ ખાતું ખુલ્યું નથી.

બીજી તરફ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વેગવંતી બની છે. જેતપુર વિસ્તારમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરીને વિધિવત રીતે પોતાની દાવેદારી નોંધાવી છે.

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને મતગણતરીમાં પારદર્શિતા રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડને છ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ઝોન માટે અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓને મતગણતરી કેન્દ્ર અને ઇવીએમ ડિસ્પ્લે સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે
જેમાં વોર્ડ નં. 1, 2 અને 3,ગાંધી કોલેજ વોર્ડ નં. 4, 5 અને 6, ચૌધરી હાઈસ્કૂલ વોર્ડ નં. 7, 8 અને 9,વિરાણી હાઈસ્કૂલ,વોર્ડ નં. 10, 11 અને 12 એ.વી. પી.ટી.આઈ. કોલેજ, વોર્ડ નં. 13, 14 અને 15 જસાણી સ્કૂલ,વોર્ડ નં. 16, 17 અને 18 પી. ડી. માલવિયા કોલેજ સહિતના મતગણતરી અને ઇવીએમ વ્યવસ્થા માટે 6 ઝોન નક્કી કરાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ કેન્દ્રો પર સુરક્ષા, સીસીટીવી કેમેરા અને જરૂૂરી સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. ઇવીએમ ડિસ્પ્લે અને સ્ટ્રોંગ રૂૂમની સુરક્ષા માટે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે.

આગામી દિવસોમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખો નજીક આવતા રાજકીય પક્ષો પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરશે, જેને પગલે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ’બોગસ વોટિંગ’ રોકવા માટેના આક્ષેપો વચ્ચે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

Exit mobile version