રાજકોટ નગર પ્રાથમિક સમિતિની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણી જેવું જ આક્રમક લોબિંગ જોવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, આગામી 21 ઓક્ટોબરના રોજ આ ચૂંટણી યોજાનાર છે, જ્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો અને પક્ષના કાર્યકર્તાઓમાં દોડધામ વધી ગઈ છે.
રાજકોટ નગર પ્રાથમિક સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાંથી 12 સભ્યોની ચૂંટણી યોજાય છે જ્યારે 3 સભ્યો સરકારના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ વખતે સમિતિના સભ્ય બનવા માટે ભાજપના 200થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી આખરી પસંદગી માટે ભાજપ દ્વારા 60 દાવેદારોની યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવી છે.
પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે સમિતિના સભ્યોની પસંદગી માટે ખાસ અને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 1. ઉમેદવાર ફરજિયાત ગ્રેજ્યુએટ (સનાતક) હોવા જોઈએ.2. ઉમેદવારનો કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ ન હોવો જોઈએ.3. ઉમેદવાર અગાઉ કોઈપણ પ્રકારની ચૂંટણી લડેલા ન હોવા જોઈએ.4. ઉમેદવાર માટે વયમર્યાદા 62 વર્ષ નક્કી કરવામાં આવી છે (ખાસ કિસ્સામાં જ વયમર્યાદામાં છૂટછાટ મળશે).5. આ ચૂંટણીમાં સંપૂર્ણપણે ’નો રિપીટ થીયરી’ અમલી બનાવવામાં આવી છે.હવે સૌની નજર પ્રદેશ નેતૃત્વ પર છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજે અથવા આવતીકાલે સવાર સુધીમાં પસંદગી પામેલા આખરી સભ્યોના નામોની જાહેરાત થઈ શકે છે.
