થાઇલેન્ડથી અમદાવાદ આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોનો સામાન ગાયબ

એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તન સામે મુસાફરોના દેકારા બાદ ઘરે પહોંચતો કરવાની ખાતરી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે ભારે…

એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તન સામે મુસાફરોના દેકારા બાદ ઘરે પહોંચતો કરવાની ખાતરી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે ભારે હાલાકીનો બનાવ સામે આવ્યો છે. થાઈલેન્ડથી અમદાવાદ આવી પહોંચેલી ફ્લાઇટના મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સામાન મિસિંગ થતાં એરપોર્ટ ટર્મિનલ પર ભારે હોબાળો મચી ગયો હતો. મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સની ઔપચારિકતાઓ પૂર્ણ કરી ક્ધવેયર બેલ્ટ પાસે પહોંચ્યા હતા, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં પોતાનો લગેજ ન મળતાં મુસાફરો અકળાયા હતા. આ અંગે જ્યારે એરલાઇન્સના સ્થાનિક કર્મચારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી, ત્યારે સંતોષકારક ખુલાસો આપવાના બદલે સ્ટાફ દ્વારા તોછડું વર્તન કરવામાં આવતાં વિવાદ વધુ વકર્યો હતો.

વિવાદ વધતાં એરપોર્ટ પર અફરાતફરી સર્જાઈ હતી, જેને પગલે એરલાઇન્સ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાઉન્ટર પર વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને મુસાફરો પાસેથી તાબડતોબ મિસિંગ બેગેજના ક્લેઇમ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી. એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી મુસાફરોને ખાતરી આપી હતી કે તેમનો સામાન અન્ય કોઈ કનેક્ટિંગ ફ્લાઇટમાં છૂટી ગયો છે કે કેમ તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને લગેજ ટ્રેસ થતાં જ મુસાફરોના ઘરના સરનામે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની સામે ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને પાયાની પેસેન્જર સુવિધાઓ કથળી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને મોડી રાત્રે એકસાથે આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સમયે ઇમિગ્રેશન, કસ્ટમ્સ ચેકિંગ અને લગેજ ક્ધવેયર બેલ્ટ પર લાંબી કતારો સર્જાતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. થાઈલેન્ડ ફ્લાઇટના સામાન ગાયબ થવાના આ તાજેતરના બનાવે એરપોર્ટના સંચાલન અને એરલાઇન્સ સેવાઓની વિશ્વસનીયતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.