ગુજરાત
સંગઠન પોતાનું કામ છોડી કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનું કામ કરે છે અને ચૂંટાયેલી પાંખને કશી ખબર નથી: યોગેશ પટેલ વિફર્યા
વડોદરામાં પૂરની સ્થિતિ બાદ ભાજપના સિનિયર ધારાસભ્યએ આક્રોશ ઠાલવતા ભારે ખળભળાટ
કામ ક્યારે પાસ થયું, કોણે કર્યુ અને કોન્ટ્રાક્ટર શું કામ કરી રહ્યો છે તેની ચૂંટાયેલા લોકોને ખબર નથી, સિસ્ટમ તૂટી ગઈ છે
વડોદરામાં અતિભારે વરસાદ અને વિશ્ર્વામિત્રિ નદીમાં પૂર પ્રકોપના કારણે સત્તાધારી પક્ષ ભાજપ સામે લોકોમાં આક્રોશ ચરમ સીમાએ છે ત્યાં હવે ભાજપના સિનીયર નેતાઓ પણ સંગઠન તથા મહાનગરપાલિકાના શાસકો પણ બહાર આવ્યા છે. વડોદરામાં જ માજલપુરના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલે પણ ભાજપ સંગઠન અને કોર્પોરેશનના શાસકો સામે આક્રોશ ઠાલવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
માંજલપુરના સિનિયર ધારાસભ્ય અને આખા બોલા યોગેશ પટેલે સંગઠન અને તંત્રને અરીસો બતાવવા પ્રયાસ કર્યો છે. તેઓએ કહ્યું હતું કે, રાજ્ય સરકારમાંથી કરોડો રૂૂપિયા આવે છે, પણ નક્કર કામ થતું નથી.
ખરેખર જે કામ ચૂંટાયેલી પાંખે કરવાનું છે તે સંગઠન કરે છે. સંગઠન પોતાનું કામ છોડી પાલિકામાં કોન્ટ્રાક્ટ પાસ કરવાનું કામ કરે છે.જ્યારે ચૂંટાયેલી પાંખને ખબર જ નથી. ફીલ્ડમાં ચૂંટાયેલા લોકો જાય છે, તેમને ખબર નથી હોતી કે, આ કામ ક્યારે પાસ થયું, કોણે કર્યું અને કોન્ટ્રાક્ટર શું કામ કરી રહ્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીને ઘણી ફરિયાદ કરી છે. આ સિસ્ટમ તૂટી ગઈ છે, જેને સુધારવાની જરૂૂર છે. બીજી તરફ કોન્ટ્રાક્ટર જ બધું નક્કી કરે છે કે, સળિયાની ડિઝાઇન કેવી હશે, કામ શું કરવાનું છે કારણ તેને નફો કરવાનો હોવાથી ડિઝાઇન બરાબર ન જ આપે.
જેથી ગુણવત્તાવાળું કામ થતું નથી અને બાંધકામ તૂટી જાય છે. આ સિસ્ટમથી છેલ્લે પ્રજાને જ નુકસાન થાય છે. શહેર પ્રમુખ ડો.વિજય શાહે કહ્યું, ધારાસભ્ય બોલ્યા તે અંગે અમારે કોઈ પ્રકારની ટિપ્પણી કરવી નથી.
યોગેશ પટેલે જણાવેલ કે, મેયર અનુભવી નથી, તેમને શહેરના ઇતિહાસ-ભૂગોળની ખબર હોવી જોઈએ
ભાજપ સંગઠને વોર્ડ 4માંથી પ્રથમવાર ચૂંટણી લડી જીતનાર પિન્કીબેન સોનીને મેયરનું પદ આપ્યું હતું.
તેમના નામની જાહેરાત થતાં જ વર્ષોથી સંગઠનમાં કામ કરી કાઉન્સિલર તરીકે જીતનાર અન્ય મહિલા કાઉન્સિલરોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી. તેવામાં સંગઠને બિનઅનુભવી કાઉન્સિલરને મેયર બનાવ્યાં હોવા મુદ્દે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પ્રદેશ અને શહેર સંગઠનને અરીસો બતાવતાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે.
શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ શહેરીજનોમાં ફેલાયેલા રોષ મુદ્દે વાત કરતાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મેયર સારાં છે પણ અનુભવી નથી. પહેલીવાર ચૂંટાયાં અને કાઉન્સિલર બન્યા પછી ડાયરેક્ટ મેયર બની જાય. મેયરને શહેરનો ઇતિહાસ-ભૂગોળ ખબર હોવો જોઈએ. શહેરની સંસ્થાઓ સાથે લગાવ હોવો જોઈએ. આ સિસ્ટમ તૂટી જવાથી આ પરિસ્થિતિ પેદા થઈ છે.
અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલે ખાદ્ય વેચાતી ચીજોમાં ભેળસેળ થતી હોવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, હાથીખાનામાં વેપારીઓ મસાલામાં ભેળસેળ કરે છે. દૂધ, ઘી, પનીર, તેલ સહિતની ચીજો ભેળસેળયુક્ત મળે છે. પણ ખોરાક શાખાના અધિકારીઓ નિયમોના ઓથો લઈ નામ પૂરતી કાર્યવાહી કરે છે.