મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોરબી ખાતે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે માટે વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
બાંધકામની ચાલી રહેલી નિયમિત તકનીકી તપાસ દરમિયાન વિભાગના ધ્યાને આવ્યું હતું કે, એલ.સી.-31 રેલવે ઓવરબ્રિજના એક પિયરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્યના ધોરણો મુજબ બનેલી નથી. આ ગંભીર બેદરકારી સામે આવતા જ માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ પિયર સંપૂર્ણપણે તોડી પાડીને દૂર કરવા અને મંજૂર થયેલી ડિઝાઇન તેમજ ટેક્નિકલ સ્પેસિફિકેશન મુજબ પોતાના ખર્ચે નવેસરથી મજબૂત પિયર બનાવવા માટે તાત્કાલિક આદેશ જારી કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણો મુજબ ન બનેલા આ પિલરને તોડી પાડવાની કામગીરી હાલ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાંધકામની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી ખામી જણાશે તો કડક સુધારાત્મક પગલાં ભરવામાં આવશે.
ઉશ્કેરણીજનક વીડિયો
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષકના ઉપપ્રમુખ દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લાના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરાયેલ તે સ્થળની મુલાકાતનો એક વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોની કોમેન્ટ બોક્સમાં માળીયા મિયાણાના રોહીશાળા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા 32 વર્ષીય ઈમરાનશા અબ્બાસશા શાહમદારે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી imranSha483 પરથી ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. આ પ્રકારની કોમેન્ટથી સમાજમાં વૈમનસ્ય ફેલાય, લોકોમાં ભય પેદા થાય અને રાજ્યની શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે માળીયા પોલીસ દ્વારા આરોપીને અટક કરવા સહિતની આગળની તપાસ ચાલુ છે.
