Site icon Gujarat Mirror

શૈક્ષણિક સંકુલો પાસે નશીલી વસ્તુ વેચતા મેડિકલ-વેપારીઓ પર તૂટી પડવા હુકમ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે વિવિધ વિભાગો દ્વારા ડ્રગ્સનું દૂષણ રોકવા માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે શૈક્ષણિક સંકુલો આસપાસ ડ્રગ્સ, નશીલી દવાઓ, તમાકુ સહિતની વસ્તુઓ વેચનારાઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારી કડક કાર્યવાહી કરવા અને નશાની વસ્તુઓ જપ્ત કરી લેવા સૂચના આપી હતી. રાજકોટ જિલ્લામાં છુપાઈને થતા ગાંજા તેમજ અફીણના વાવેતરને શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોર્સમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી.

બેઠકમાં જણાવાયું હતું કે, ગોંડલ તાલુકામાંથી ગાંજાના બે કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં આશરે રૂૂ. 12 લાખની કિંમતનો 24 કિલોથી વધુ ગાંજો જપ્ત કરીને એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, નશીલી દવાઓનું વેચાણ રોકવા 11 પેઢી-દુકાનોમાં તપાસ કરાઈ હતી. જેમાં ઉપલેટામાં એક મેડિકલ સ્ટોરમાં બિલ વિના ગેરકાયદે દવા વેચાતી હોવાનું ધ્યાને આવતાં નોટિસ આપવામાં આવી છે. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકાર પણ ખાસ ભાર મૂકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રો થકી વધુમાં વધુ લોકો નશામુક્ત બનવા પ્રેરાય તે માટે દરેક વિભાગ દ્વારા પ્રચાર-પ્રસાર કરવા તેમજ બાળ સુધાર ગૃહોમાં નશાની લતવાળા બાળકોનું કાઉન્સેલિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, પ્રાંત અધિકારીઓ, એસ.ઓ.જી. (SOG)ના અધિકારીશ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફોરેન્સિક, આરોગ્ય તથા કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version