ભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇ

ભાવનગરમાં સોલાર રૂૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત…

ભાવનગરમાં સોલાર રૂૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત કંપનીના પ્રતિનિધિએ વેપારીનો વિશ્વાસ કેળવી 40 ટકા એડવાન્સ રકમ પેટે ₹19.35 લાખ પડાવી લીધા બાદ માલની ડિલિવરી ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

1 સપ્ટેમ્બર, 2026ના રોજ શહેરના ટોપ થ્રી સર્કલ પાસે શિવ અમૃત-3માં રહેતા ભગીરથભાઈ લાભશંકરભાઈ ધાંધલ્યાએ ઈન્સ્ટાગ્રામ પર અદાણી ટોપ કોન સોલાર પીવી મોડ્યુલના વેચાણ અંગેની રીલ જોઈ હતી. ગુજરાતમાં આ પેનલની અછત હોવાથી તેમણે રસ દાખવી 4 સપ્ટેમ્બરે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સનરૂૂફ એનર્જી સોલ્યુશન પ્રાઈવેટ લિ.ના અમનસિંઘ નામના શખ્સે ₹49.60 લાખનું કોટેશન મોકલી 40 ટકા એડવાન્સ પેમેન્ટ ભરી 15 દિવસમાં ડિલિવરી આપવાનું વચન આપ્યું હતું. વેપારીએ વિશ્વાસમાં આવી 7 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ₹19.35 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

14 સપ્ટેમ્બરે વેપારીઓના ગ્રુપમાં મેસેજ અને સમાચાર પત્રોના કટિંગ દ્વારા જાણવા મળ્યું હતું કે આ જ કંપનીએ રાજકોટના યુગ સોલારના ભાવેશભાઈ, ડીસાના રોહિતકુમાર અને ધાર્મિકભાઈ સહિતના અન્ય ડીલરો પાસેથી પણ એડવાન્સ પેમેન્ટ મેળવી ડિલિવરી આપી નહોતી. ત્યારબાદ અમનસિંઘે ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદીની અરજીના આધારે આરોપી અમનસિંઘ વિરુદ્ધ ઇગજની કલમ 318(2), 318(4), 319(2) તથા આઈટી એક્ટની કલમ 66 (ઉ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.