Site icon Gujarat Mirror

સેનિટરી ઈન્સ્પેક્ટરોની બદલીનો હુકમ કલાકોમાં રદ !

તત્કાલીન કમિશનર દેવાંગ દેસાઈએ કરેલી ‘સાફસૂફી’ અંગે નવા મ્યુનિ. કમિશનરને અંધારામાં રખાયા?

પદાધિકારીઓએ મ્યુનિ. કમિશનરનું ધ્યાન દોરતા તાબડતોબ બદલીનો હુકમ સ્થગિત

મહાનગરપાલિકાની મલાઈદાર વિભાગોમાં ફરજ બજાવવા માટે કર્મચારીઓને અધિકારીઓમાં પડાપડી થતી હોય છે. નિયમ મુજબ વિભાગીય બદલી ઓ થાય ત્યારે પણ રાજકીય લોબીંગ ઉભુ કરી બદલી રોકવામાં આવતી હોવાના બનાવો પણ અનેક વખત બની ચુક્યા છે. તેવી જ રીતે નવા કમિશનની નિમણુંક થાય ત્યારે વિભાગોમાં બદલીનો દૌર શરૂ થાય છે. જેમાં ગઈકાલે નવ નિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ એક સાથે 23 સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતનાઓની બદલીનો ઓર્ડર કરતા આ બાબતની જાણ પદાધિકારીઓને થતાં તેઓએ અગાઉના કમિશનરે બદલીઓ કરી છે. તે પૈકી અમુક લોકો ફરી આપના હાથે બદલી કરાવી રહ્યા છે. તેવું કમિશનરને જણાવતા કમિશનરે તાબડતોડ તમામ 29 કર્મચારીઓનો બદલીનો ઓર્ડર સ્થગિત કરી મુળ જગ્યાએ ફરજ બજાવવાનો હુકમ કરેલ છે.

મહાનગરપાલિકાના મલાઈદાર ખાતાઓમાં માનીતાઓને પોસ્ટીંગ આપવાનો વર્ષો જૂનો ખેલ યથાવત રહ્યો છે. ઉપરની ભલામણોના કારણે અનેક અધિકારીઓ અને કર્મચારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે ત્યારે ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના દરમિયાન અનેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી તથા સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયેલ અને તે સમયે સરકારે મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવાંગ દેસાઈની નિમણુંક કરેલ ત્યારે કમિશનરે તમામ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની તેમની કાર્યશૈલી સહિતની વિગત એકઠી કરી મોટાભાગના વિભાગોમાં જળમુળથી સાફસફાઈ કરી બદલીના મોટા ઘાણવા કાઢ્યા હતાં.

તેવી જ રીતે ટાઉન પ્લાનીંગ વિભાગને પુરે પુરુ વિખેરી નાખી તેના સ્થાને નવા કર્મચારીઓની નિમણુંક કરી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ સહિતનાની સત્તાઓ આંચકી લઈ ઝોનવાઈઝ ઈજનેરને સત્તા સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાની નિમણુંક થતાં અમુક ખાસ અધિકારીઓ દ્વારા બદલી માટેની ભલામણો કરવામાં આવી હોય તેમ ગઈકાલે કમિશનરે સોલીડવેસ્ટ મેનેજ વિભાગના 23 પર્યારણ ઈજનેર, સેનીટેશન ઓફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહિતના 29 કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા હતાં.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 29 કર્મચારીઓની બદલીનો ઓર્ડર ગઈકાલે કરવામાં આવ્યો હતો. આકર્મચારીઓ પોતાનું નવુ પોસ્ટીંગ શરૂ કરે તે પહેલાજ આ બાબતે પદાધિકારીઓનું ધ્યાન જતાં તેઓએ અગાઉ ડી.પી. દેસાઈ દદ્વારા બદલી થયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું લીસ્ટ મંગાવી ચેક કરતા માલુમ પડેલ કે, ડી.પી. દેસાઈએ મોટાભાગના કર્મચારીઓની બદલી કરેલ તેપૈકી અમુક કર્મચારીઓ ફરી વખત પોતાના સ્થાને જવા માટે ઉત્સુક હોય અગાઉ બદલીઓ થયેલ તેના વિશે અજાણ નવા કમિશનરને ગેરમાર્ગે દોરી બદલી કરાવવાનો કારસો રચ્યો હોય તેવું લાગ્યું હતું. જેના લીધે તાત્કાલીક આ બાબતની જાણ કમિશનરને કરતા અને અગાઉ ડી.પી. દેસાઈએ કરેલી બદલીઓની વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનરે બદલીમાં કાચુ કપાઈ ગયું છે તેવું જાણી તુરંત બદલી સ્થગિત કરવાનો હુકમ કરતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.

ડી.પી. દેસાઈએ કરેલ સાફસફાઈ બાદ અનેકના બદલી માટે હવાતિયાં
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ ટીઆરપી ગેમઝોન દૂર્ઘટનાનો ઘડો લઈ તમામ વિભાગમાં વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બદલીના અનેક ઘાણવાઓ કાઢ્યા હતાં. તેવી જ રીતે દુર્ઘટનામાં જવાબદાર ટાઉન પ્લાનીંગ વિભાગનું પુરેપુરુ સેટઅપ વીખી નાખી તેના સ્થાને નવા કર્મચારીઓને બેસાડી ટાઉન પ્લાનીંગ ઓફિસરને અપાયેલ સત્તા સિવાયની તમામ એટીપીઓને આપેલી સત્તાઓ પરત લઈ તમામ જવાબદારી ત્રણેય ઝોનમાં સીટી ઈજનેરને સોંપી દેવામાં આવી હતી.

દુર્ઘટના બાદ કોર્પોરેશનમાં સોપો બોલી ગયેલ હોય તેમજ અનેક અધિકારીઓ જેલના સળિયા પાછળધકેલાઈ જતાં આ બદલીનો વિરોધ તે સમયે થયો ન હતો પરંતુ ત્યાર બાદ ધીરે ધીરે અમુક ખાસ વિભાગમાં ફરજ બજાવી ન ઈચ્છવા છતાં બદલી થયેલ તેવા અધિકારીઓ અને કર્મચારીઓના મનમાં પોતાની મુળ જગ્યાએ પરત જવા માટે હવાતિયા શરૂ કરી દીધા હતા.ં જેમાં ગઈકાલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં એક સાથે 29 કર્મચારીઓની બદલીના ઓડરે ભાંડો ફોડી નાખ્યો હતો અને હવે પછી કોઈપણ વિભાગીય કર્મચારીઓની બદલી માટે પદાધિકારીઓ સાથે સંકલન કરી બદલીનો ઓર્ડર કમિશનર કરશે તેવું હાલ લાગી રહ્યું છે.

Exit mobile version