Site icon Gujarat Mirror

મોરબીમાં પંચાસર રોડના 250 મકાનોના ડિમોલિશનનો વિરોધ

મોરબીના પંચાસર રોડ પર વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના માથે ડિમોલિશનની તલવાર લટકતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મનપા દ્વારા અપાયેલી આખરી નોટિસના પગલે સેંકડો પરિવારો બેઘર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરી ખાતે ધસી જઈ ન્યાયની ગુહાર લગાવી હતી.

પંચાસર રોડ પર આવેલ સાવરની પાળ (ભારતપરા) વિસ્તારમાં છેલ્લા પાંચ દાયકાથી મજૂર વર્ગના 250થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ રહીશો પાસે વીજ કનેક્શન, મકાન વેરાની પાવતીઓ, આધાર-ચૂંટણી કાર્ડ અને 1979ની મચ્છુ હોનારત સમયના સરકારી સહાયના પુરાવા પણ છે. અગાઉ 2000 અને 2023માં રોડ પહોળો કરવાની કામગીરી વખતે આ લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી તંત્રને સહયોગ આપ્યો હતો. તેમ છતાં, પાલિકાના એન્જિનિયર દ્વારા વારંવાર નોટિસો ફટકારીને આગામી 24 માર્ચ 2026ના રોજ ડિમોલિશન કરવાનું આખરી અલ્ટીમેટમ આપી દેવામાં આવતા સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં રહીશોએ રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ગરીબોના આશિયાના છીનવી શકાય નહીં. સ્થાનિકોની માંગ છે કે તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ સરકારી યોજના હેઠળ રહેવા માટે મકાન ફાળવવામાં આવે અને ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી પર તત્કાલ રોક લગાવવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ ગરીબ પરિવારોને છત પૂરું પાડે છે કે પછી 24 તારીખે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે.

Exit mobile version