સાયબરસાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સાયબર ફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે મેળવનાર અને વચેટીયા તરીકે કામ કરનારા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે દિવસમાં 36 જેટલા આરોપીઓ વિરુદ્ધ ઇગજની કલમ 317(2), 61 (2) સહિતની કલમ અંતર્ગત 15 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 36 પૈકી હાલ 23 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં એકાઉન્ટ ભાડે આપનારા તેમજ એકાઉન્ટ ભાડે લેનારા અને વચેટીયા તરીકે કામ કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્વય પોર્ટલ પરથી ડેટા મેળવીને એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બે દિવસની અંદર કુલ 15 ફરિયાદ દાખલ કરી 36 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં 23 આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની પુછપરછ કરતા પ્રાથમિક તપાસમાં સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવામાં આવેલ 20 એકાઉન્ટ રાજકોટ ખાતેથી ઓપરેટ થયા હોવાનું સામે આવ્યું છે.
તેમજ તે બેંક એકાઉન્ટ સામે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, તેલંગણા, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ, હિમાચલ, ઉતરાખંડ તેમજ ઝારખંડ સહિતના રાજ્યોમાંથી ફરિયાદ 1930 હેલ્પલાઇન પર નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં કુલ 30 કરોડ રૂૂપિયા જેટલી રકમનો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો જે પૈકી અંદાજિત 1.36 કરોડ રકમ રાજકોટના 20 જેટલા એકાઉન્ટમાં જમા થઈ હોવાનું આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું છે.
પોલીસે હાલ ઝડપી પાડેલા 23 આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો કોઈ રિક્ષાચાલક તો કોઈ શાકભાજી વેચનાર તો કોઈ છૂટક મજૂરી તેમજ કોઈ પ્રાઇવેટ નોકરી કરનાર હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટમાં જમા થતી રકમ પર એકાઉન્ટ ભાડે આપવા બદલ 5000, 10000, 15000, 20000 રૂૂપિયા જેટલી રકમ કમિશન પેટે મળતી હતી.
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજ્યભરમાં કાર્યવાહી શરૂૂ થતા બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને ખાસ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, માત્ર નજીવી રકમની લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડના ગુનામાં ભાડે આપવાનું ટાળે જેથી તેઓ ભવિષ્યમાં થનારા કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેમજ સાયબર ફ્રોડના ગુનામાં ઘટાડો લાવી શકાય.

