rajkot

ડુંગળીની હરાજી સતત બીજે દી’ બંધ, ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી

Published

on

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર અચાનક જ પ્રતિબંધ લાદતા ડુંગળી પકવનાર ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવો તળિયે બેસી જતા ખેડુતોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે અને આજે સતત બીજા દિવસે રાજકોટ, ગોંડલ, મહુવા, સાવરકુંડલા સહિતના માર્કેટ યાર્ડોમાં હરરાજી બંધ રહી હતી. અને ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ાજે બીજા દિવસે પણ ખેડુતોએ ડુંગળી રસ્તા ઉપર ફેંકી હાઈ-વે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ભારે ગરમાવો આવી ગયો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના થપ્પા લાગ્યા છે. પરંતુ પોષણક્ષમ ભાવો નહી મળતા બે દિવસથી હરાજી બંધ છે. આજે સતત બીજા દિવસે ખેડુતોએ રોડ ઉપર ડુંગળી ફેંકી હાઈવે ઉપર ચક્કાજામ કરી વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ 11 ખેડુતોની અટકાયત કરી હતી અને યાર્ડ પાસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બીજી તરફ રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીના ભાવોનો વિવાદ સર્જાતા આજે ડુંગળીની હરરાજી બંધ રહી હતી અને હજુ બે દિવસ ડુંગળીની હરરાજી બંધ રાખવાની યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું બે દિવસ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ સિવાય ડુંગળીનું સૌથી મોટુ પીઠુ ગણાતા મહુવામાં તેમજ સાવરકુંડલામાં પણ આજે હરરાજી બંધ રહી હતી.
ડુંગળીના ભાવો તુટી જતા સરકાર સામે ખેડુતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. અને ખેડુતોના હામી થઈને ફરતા ભાજપના ખેડુતનેતાઓને મોં બતાવવું ભારે પડી રહ્યું છે. કેન્દ્ર સરકારે નિકાસબંધી કરતા ભાવો તુટ્યા છે.
પરંતુ રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ મૌન થઈ ગયા છે. ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. બપોર સુધી માર્કેટયાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેની પોલીસે અટકાયત કરી લીધી છે.
તેમની સાથે આંદોલન કરી રહેલા 6થી 7 ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version