તાવની સારવાર બાદ ગાંઠનું ઇન્ફેકશન હોવાનું તબીબે કહેતા તેનું ઓપરેશન કર્યું હતું
હોસ્પિટલમાં ઓપરેશન કરનાર ડો. જીતેન્દ્ર ગાંધીએ પરિવારની જાણ બહાર બાળાને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધાનો આરોપ
મોતનું સાચુ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું: પરિવારમાં શોક
જામનગરના રવાણી ખીજડીયા ગામના પરિવારની 11 મહિનાની દિકરીને તાવની સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેના ગળામાં ગાંઠનું ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું તબિબે કહેતાં પરિવાર દિકરીને બચાવવા ઓપરેશન માટે રાજી થઇ ગયો હતો અને ડોક્ટરે કહ્યા મુજબના રૂૂપિયા પણ ભરી દીધા હતાં. પરંતુ ઓપરેશન બાદ બાળકીને જ્યાં દાખલ કરાઇ હતી ત્યાં આઇસીયુની સુવિધા ન હોઇ બારોબાર બીજી હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા બાદ તેણીનું મોત થતાં પરિવારજનોએ તબિબી બેદરકારીનો આક્ષેપ કરી રાતે હોસ્પિટલ ખાતે રોષ દાખવતાં પોલીસ દોડી ગઇ હતી.
વધુ વિગતો મુજબ, રવાણી ખીજડીયા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં જનકસિંહ જાડેજાના દિકરી મિતાંશીબા (ઉ.વ.11 મહિના)ને મંગળવારે તાવની સારવાર માટે રાજકોટ નાના મવા રોડ રાજનગર ચોક પાસે આવેલી મા શારદા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ગઇકાલે સાંજે તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરાયા બાદ મોત નિપજતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. કે. જી. ઝાલા સહિતે સૌરાષ્ટ્ર હોસ્પિટલ ખાતે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ બાળકીના મૃત્યુ પાછળ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂૂમ ખાતે મૃતક બાળા મિતાંશીબાના પિતા જનકસિંહ જાડેજાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે-મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરીમાં મિતાંશીબા નાના હતાં. દિકરીને તાવ આવતો હોઇ મંગળવારે સવારે અમારા ઘરના મહિલા સભ્ય તેણીને રાજકોટ નાના મવા રોડની મા શારદા હોસ્પિટલમાં ડો. જીતેન્દ્ર ગાંધીને બતાવવા આવ્યા હતાં. ડોક્ટરે નિદાન કરી દિકરીને ગળામાં ગાંઠ છે ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું કહેતાં અમે પુરૂૂષ વર્ગ રાજકોટ પહોંચેલ અને દિકરીને ઓપરેશનની જરૂૂર જ હોય તો કરી નાંખવા સંમતી આપી હતી. આ માટેની નક્કી થયેલી ફી 42 હજાર પણ અમે ભરપાઇ કરી દીધી હતી.
જનકસિંહે વધુમાં કહ્યું હતું કે ગઇકાલે સાંજે છએક વાગ્યે દિકરીને ઓપરેશન માટે લઇ જવાઇ હતી. આઠેક વાગ્યે ઓપરેશન થઇ ગયાની અમને જાણ થઇ હતી પરંતુ દિકરીને બહાર લાવવામાં ન આવતાં અને લાંબો સમય વિતી જતાં અમે આ બારામાં ડોક્ટરને પુછતાં એવો જવાબ અપાયો હતો કે ઓપરેશન બાદ દિકરીના હૃદયમાં ઇન્ફેક્શન ફેલાઇ ગયું હોવાથી તબિયત બગડતાં તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડી છે.અમારી દિકરીને ઓપરેશન બાદ બારોબાર બીજી હોસ્પિટલમાં લઇ જવાઇ તેની જાણ પણ અમને કરવામાં આવી નહોતી. આ હોસ્પિટલમાં બાદમાં રાતે સાડા દસેક વાગ્યે અમારી દિકરીને મૃત જાહેર કરવામાં આવી હતી.દિકરીને ગુમાવતાં પિતા જનકસિંહ જાડેજા, માતા તેજલબા જાડેજા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકીનું પીએમ હાલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ બાબતેનું શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. મૃત બાળકીના પરિવારજનોએ કહ્યુ કે, જ્યાં સુધી મા શારદા હોસ્પિટલના તબીબ ડો. જીતેન્દ્ર ગાધે સામે પોલીસ ફરિયાદ નહીં થાય અને તબીબની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા પણ નહોતી,એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટિલેટર નહોતા!
જનકસિંહે આક્ષેપો કરતાં કહ્યું હતું કે મા શારદા હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા પણ નહોતી, અમારી દિકરીને અહિથી બીજી હોસ્પિટલમાં રીફર કરી ત્યારે પણ કદાચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટીલેટર નહોતાં. રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પણ આવે છે તેમાં પણ સમય બગડયો હતો અને બાદમાં સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં અમારી દિકરીને પહોંચાડાઇ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ખરેખર ઓપરેશન થયું હતું કે કેમ? તેની પણ અમને શંકા છે. અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી કરશું.તેમજ પુત્રીનું નવેક વાગ્યે મૃત્યુ થયું તેની જાણ પણ 11 વાગ્યે કરવામાં આવી હતી.તેમ જનકસિંહ જાડેજાએ કહેતાં પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.

