હવે તો શરમ કરો! સાંઢિયા પુલના લોકાર્પણ માટે ફરી ‘હલસો’ મરાયો

મોદી સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ સામેલ કરવા ઉદ્ઘાટન માટે ‘તારીખ-પે-તારીખ’ : CM વ્યસ્ત, ડે.સી.એમ, અથવા પ્રભારીને બોલાવવા પ્રયાસો રાજકોટની જનતાની આ…

મોદી સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ સામેલ કરવા ઉદ્ઘાટન માટે ‘તારીખ-પે-તારીખ’ : CM વ્યસ્ત, ડે.સી.એમ, અથવા પ્રભારીને બોલાવવા પ્રયાસો

રાજકોટની જનતાની આ તે કેવી કમનસીબી? તેની જ પરસેવાની કમાણીમાંથી મળતી સુવિધા ભોગવવા માટે રાજકીય પ્રસિધ્ધિની લ્હાય જ્યા સુધી નેતાઓને પુરી ન થાય ત્યા સુધી રાહ જોવી પડે! છેલ્લાં સવા બે વર્ષથી સવા લાખથી વધુ વાહનસવાર રોજેય 10 કી.મી.ની પ્રદક્ષિણા જેના કારણે વેઠી રહ્યા છે તેવા સાંઢિયા પુલનું કામ પુર્ણ થઇ ગયુ છે. રેડી ટુ પઝેશનમાં છે. પણ પ્રજા માટે અફસોસની વાત એ છે કે, લોકાર્પણ માટે તારીખ-પે-તારીખ અપાઇ રહી છે. ઉદઘાટન માટે વધુ એક ‘હલેશો’ મારવામા આવ્યો છે. ચોક્કસ તારીખ તો હજુપણ જાહેર તો થઇ જ નથી, જાણવા એવુ મળ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પુરા થઇ રહ્યા હોય તેની ઉજવણીની પ્રસિધ્ધિમાં સાંઢિયાપુલના લોકાર્પણનો કાર્યક્રમ ઉમેરવા માટે ઉદઘાટનને ફરી પાછુ ઠેલવવામા આવ્યુ છે.

સાંઢિયાપુલની સુવિધા મેળવવા શહેરીજનો મનપાના શાસકો પાસે કરગરે તેવી નોબત ઉભી કરવામા આવી છે. ચૂંટણી પહેલા તો કામનો ધમધમાટ રાઉન્ડ ધી ક્લોક ચલાવવામા આવ્યો હતો. અરમાન એવા હતા કે ચૂંટણી પહેલા લોકાર્પણ થઇ જાય તો પ્રચાર-પ્રસાર માટે વિકાસની વધુ એક પીપુડી વગાડી શકાય. પણ આ અરમાન અમુક પુરા ન થયા. એ પછી પણ નવા પદાધિકારીઓ પદગ્રહણ કરે અને તેને પ્રસિધ્ધિનો જશ મળે તે માટે પુલ તૈયાર સ્થિતિમાં હોવા છતા તાત્કાલિક લોકાર્પણ ન થયુ.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તેવી લાગણી સાથે નવા પદાધિકારીઓ બબ્બે વખત ગાંધીનગરના આટાફેરા કરી આવ્યા. બ્રિજ તૈયાર હોવા છતા લોકાર્પણ ન થવા અંગે લોકરોષો સામનો કરવો ન પડે એ માટે થાગડથીગડ જેવા કામ ગોકળગાયની ગતિથી કરી ચાલુ રાખવા જાણે છુપો આદેશ હોય તેમ વરસાદી પાણીના નિકાલ માટેના છીંડાજનક કામ પાછળથી ઉખેડવામા આવ્યા. જો કે આ કામ બ્રિજ ઉપર વાહનવ્યવહારને નડતરરૂૂપ ન જ હતા. છતા જનતાને ઉઠા ભણાવતુ કારણ એવુ અપાયુ કે હજુ થોડુઘણુ કામ બાકી છે.

આમ કોઇને કોઇ કારણો આપીને લોકાર્પણ માટે અપાતી તારીખ-પે-તારીખમાં હજુ પણ ઉદઘાટન ક્યારે છે તે નક્કી નથી. ચાલુ અઠવાડિયામાં થઇ જશે તેવી વધુ એક કેસેટ વગાડવામા આવી છે. આંતરિક સુત્રોમાંથી એવી માહિતી મળી છે કે, વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોની શ્રુંખલાનું આયોજન છે.

તેમા સોરઠિયાપુલના લોકાર્પણનો કાર્યક્રમ ઉમેરવાની લ્હાયમાં જનતાને હજુ પણ છતે પુલની સુવિધાએ હેરાન કરવાની નીતિ દાખવવામા આવી રહી છે. મોટા નેતાઓની રાહમાં સતત પાછા ઠેલાતા લોકાર્પણમાં હવે શાસકો એવુ કહી રહ્યા છે કે, ચાલુ અઠવાડિયામાં અને સંભવત તા.14 પહેલા ઉદઘાટન થઇ જશે. મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ કરાવવા નવા પદાધિકારીઓ ગાંધીનગરના આંટાફેરા પણ કરી આવ્યા છે. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વ્યસ્ત હોય હવે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અથવા તો પ્રભારીને બોલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મેયરે પદગ્રહણ સાથે જ આપેલી ખાતરી પોકળ
મનપાના નવા સુકાનીઓએ જે દિવસે પદગ્રહણ કર્યુ હતુ એ જ દિવસે સાંઢિયાપુલ તૈયાર હોવા છતા નવા હોદેદારોની નિયુક્તિની જ રાહ જોવામા લોકાર્પણ થતુ નથી? તેવા એક સવાલનો જવાબ આપતા મેયર નેહલ શુક્લે કહ્યુ હતુ કે, હાલ સાંઢિયાપુલનું સ્ટેટસ મને ખબર નથી પણ જે આ પ્રોજેક્ટ સંભાળે છે તે સંબંધિત અધિકારીને અત્યારે જ મિટિંગમાં બોલાવ્યા છે. એ પછી મેયરે એવી ખાતરી આપી હતી કે, ગણતરીની કલાકોમાં સાંઢિયાપુલનું લોકાર્પણ થઇ જશે. અહીં કલાકોની વાત દૂર રહી, દિવસોના વહાણા વીતી ગયા એમછતા હજુ સુધી લોકાર્પણ ક્યારે થશે તેના કોઇ નેઠા જ નથી!