ક્રાઇમ
શાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી કપુર લેખરાજ ઉર્ફે લેખરામ આહિરવાર (ઉ.વ.48, રહે. મૂળ યુ.પી.)ને શાપર પોલીસે ઝારખંડમાંથી ઝડપી લીધો હતો.શાપર પોલીસે જણાવ્યું કે આરોપીનો હરિદ્વારમાં મૃતક મહિલા સાથે પરિચય થયા બાદ તેને લઈ શાપર આવી ગયો હતો. જયાં ગઈ તા.4-8-ર0ર4ના રોજ મૃતક મહિલાની હત્યા કરી ભાગી ગયો હતો. આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ ઘણી મહેનત કરી હતી.
પોલીસની ટીમો એમપી અને બિહાર પણ જઈ આવી હતી. આમ છતાં આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.તેની પાછળનું મુખ્ય કારણ એવું છે કે આરોપી કોઈપણ મોબાઈલ કે બીજા ઉપકરણોનો ઉપયોગ કરતો ન હતો. જેને કારણે તેનું લોકેશન મળતું ન હતું. તાજેતરમાં શાપર પોલીસ મથકમાં મુકાયેલા પીઆઈ આર. બી. રાણાએ આ કેસ હાથમાં લઈ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢયું હતું.જેના આધારે પોલીસની એક ટીમ ઝારખંડ પહોંચી હતી અને ડેલ્ટાગંજ શહેરમાંથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ત્યાં ભિક્ષાવૃત્તિ કરતો હતો. શાપર પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ જારી રાખી છે.